કોર્પોરેશને ડિઝાઇન રજૂ કરી દીધા બાદ રેલવે સેફ્ટી સહિતના કારણોસર ડિઝાઇન મંજૂર કરતું ન હોવાનું તારણ: હજુ ટેન્ડર બે મહિના પછી પ્રસિદ્વ થશે
શહેરના જામનગર રોડ પર આવેલા સાંઢીયા પુલનું આયુષ્ય પૂરૂં થઇ ગયું હોય અહિં કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ફોરલેન ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે વિભાગ સમક્ષ નવા બ્રિજની ડિઝાઇન પણ રજૂ કરી દેવામાં આવી છે. પરંતુ રેલવે વિભાગ દ્વારા કોઇ કારણોસર હજુ ડિઝાઇનને મંજૂરી આપવામાં આવતી નથી. જેના કારણે ટેન્ડર પ્રસિદ્વ કરવાની કામગીરી હાલ ઘોંચમાં પડી ગઇ છે.
અગાઉ મહાપાલિકાએ ડિઝાઇન રજૂ કરી હતી અને રેલવેના પોર્શનમાં આવતા બ્રિજના કામનો ખર્ચ રેલવે પાસે માંગવામાં આવ્યો હતો. દરમિયાન સાંસદ સાથેની મિટીંગમાં રેલવેના અધિકારીઓએ બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર સૂચવ્યો હતો. જેને ધ્યાનમાં રાખી નવી ડિઝાઇન બનાવવામાં આવી હતી. જે એક મહિના પહેલા રજૂ કરી દેવામાં આવી હતી.
પરંતુ સેફ્ટીનું બહાનું આગળ ધરી રેલવે દ્વારા ડિઝાઇનને મંજૂરીની મહોર મારવામાં આવતી નથી. અધિકારીઓ એવું કહી રહ્યા છે કે ડિઝાઇન મંજૂર જ છે પરંતુ હવે બ્રિજના રેલવે પોર્શનના હિસ્સાની ઉંચાણપૂર્વક ચકાસણીના કારણે વિલંબ થઇ રહ્યો છે. ભવિષ્યમાં ડબલ લાઇન બને અથવા ઇલેક્ટ્રીક ટ્રેન દોડાવાની થાય તો તેને ધ્યાનમાં રાખી બ્રિજ નીચે હયાત 12 મીટર પહોળી ટનલ, 36 મીટર પહોળી કરવાનું સૂચવ્યું છે.
જુલાઇ માસના અંત સુધીમાં બ્રિજની ડિઝાઇન ફાઇનલ કરી દેવામાં આવશે અને જન્માષ્ટમી આસપાસ ટેન્ડર પ્રસિદ્વ કરી દેવાશે. આજથી ભોમેશ્ર્વરથી એરપોર્ટ સુધીના ડાયવર્ઝન રસ્તાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. હવે ભોમેશ્ર્વરથી બજરંગવાડી સુધીના નવા ડાયવર્ઝનનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. રેલવે વિભાગની ઢીલના કારણે મોટાભાગના બ્રિજના કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ થતા નથી.