શહેરના છેવાડે આવેલા કાગદડી નજીક ખોડીયાર આશ્રમના મહંત જયરાજબાપુના રહસ્યમય મોત પરથી આજ સાંજે પોલીસ પડદો ઉંચકી લેશે. બાપુના રહસ્યમય મોતમાં આપઘાત કર્યા હોવાની પ્રબળ શંકા સાથે પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં એક નામાંકીત વકીલ અને એક ભરવાડ શખ્સની સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે. ભેદભરમના મૃત્યુ બાદ મહંતના બારોબાર અસ્થિ વિસર્જન પણ કરી દેતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ કાગદડી પાસે આવેલા પ્રસિધ્ધ ખોડીયાર આશ્રમના મહંત જયરાજબાપુનું ગત 1લી જુનના રોજ મૃત્યુ થતાં તેમની તમામ વિધિ કરી દેવામાં આવી હતી. પરંતુ પાછળથી તેમાં અનેક શંકાઓ ઉભી થતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. થોડા દિવસની તપાસ બાદ પોલીસને મહંત જયરાજબાપુ આપઘાત કર્યો હોવાની પ્રબળ શંકા થઈ હતી. ઉંડાણમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મહંતના મૃત્યુ બાદ તેમના અસ્થિને હરિદ્વાર ખાતે બારોબાર પધરાવી દેવામાં આવ્યા હતા. જેથી આજ સાંજ સુધીમાં ખોડીયાર આશ્રમના મહંત જયરાજબાપુના કથીત આપઘાત પ્રકરણમાં પોલીસ મોટા ધડાકા કરવાના મુડમાં હોય તેવું લાગી રહ્યું છે.
જયરાજબાપુના મૃત્યુ બાદ અનેક શંકા-આશંકાઓ ઘેરાઈ રહી હતી તે દરમિયાન બે દિવસ પહેલા જ શહેરના નામાંકીત વકીલ અને એક ભરવાડ શખ્સ પર શંકાના દાયરાઓ મંડરાઈ રહ્યાં હતા. મહંતના આપઘાતના બનાવમાં પોલીસને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર જ અસ્થિઓનું વિસર્જન કરી કેસને દફેદફે કરવાના પ્રયાસો પણ થયા હોવાનું સામે આવી રહ્યું છે. જેથી આજ સાંજ સુધીમાં ખોડીયાર આશ્રમના મહંત જયરાજબાપુના મૃત્યુ કેસમાં મોટા ધડાકા થવાની શંકા સેવાઈ રહી છે.