Abtak Media Google News

ફોજદાર રાવના મૃત્યુ પછી કુકડો ગુમ થયા બાદ જયદેેવે ભૂત બંગલામાં જ સુવાનો નિર્ણય કર્યો !

ભૂત બંગલો-2

ફોજદાર જયદેવે જમદાર પાટીલને વિશ્વાસમાં લઈ ફોજદારી બંગલાની થતી ભૂતપ્રેતની વિચિત્ર વાતો કરવા તૈયાર કર્યો
અને પાટીલે વાત ચાલુ કરી …

ફોજદાર વલીચાચા પહેલા રાવસાહેબ કરીને લોધિકાના ફોજદાર હતા. તેઓ ફોજદારી કવાર્ટરમાં એકલા જ રહેતા હતા. લગભગ તમામ કુટેવો તેઓ ધરાવતા હતા. નોનવેજ, આલ્કોહોલ તથા જે ઉપલભ્ય હોય તે તમામ ! સીમ વગડે, એકલ-દોકલ વાઘરીનો કુબો હોય તો તેમાં પણ ઘુસી જતા અને પછી નાહવાનું પણ નહિં. અઠવાડિયે એકાદ વખત નાહવાનું! પોતે કવાર્ટરમાં એક પીંજરું રાખેલ તેમાં એક સરસ પોપટ પાળેલ હતો તથા એક બિલાડી અને એક પોમેડિયન કુતરું પણ પાળેલું, કોન્સ્ટેબલો અને ઓર્ડરલી મામદને આ બર્ધું કામ જવધી જતું. ખાસ તો નોનવેજ અને આલ્કાહોલની વ્યવસ્થાની લોધિકામાં ખૂબ મુશકેલી પડતી.

T1 16

ગામડાઓમાં કોઈ ગુનાની તપાસ કે અરજીની તપાસમાં ફોજદાર રાવ મોટર સાયકલ લઈને જતા પણ તેમની જોખમી આદતોને કારણે કોઈ પોલીસ મનથી સાથે જવા રાજી નહિ અને રાવ પોતે પણ મોટરસાઈકલ લઈને એકલા જ નીકળી પડતા, રસ્તામાં જે કાંઈ શિકાર મળે અને ન મળે તો શોધીને પણ શિકાર કરી નાખતા ! એક વખત મોટરસાઈકલ લઈને સવારે નીકળેલા. તે સમયે વૈશાખ મહિનો, ભર ઉનાળાનો મહિનો ચાલુ હતો. તે દિવસે ધોમધખતા તડકામાં બપોરે બે વાગ્યે મોટરસાઈકલ લઈને રીબડા બાજુથી આવ્યા. સાથે એક જીવતો વિચિત્ર રીતે મોટા કદનો કૂકડો પણ લાવ્યા હતા. જેથી મે પૂછયું કે કયાંથી લાવ્યા? તો રાવ સાહેબ કહે કે કોઈ પાસેથી નથી લાવ્યો, આ તો જમીને રીબડાથી લોધિકા આવતો હતો અને રસ્તામાં ખાંભાની બંગલી પાસે આ કૂકડો મળ્યો એટલે લઈ લીધો.

T1 17

ખાંભાની બંગલી એટલે રોડ ઉપર ખાંભાના પાટિયે આવેલું નાનું ખુલ્લું બસ સ્ટેન્ડનું છાપરું. જયદેવે તે જોયેલું તેથી પાટીલને પૂછયું, ’ત્યાં તો બધું ઉજજડ છે. કોઈ ઝાડ, વાડી કે મકાન પણ નથી અને વૈશાખ મહિનાના ધોમધખતા તડકામાં બપોરે બે વાગ્યે કૂકડો કયાંથી આવે?’ પાટીલે કહ્યું; ’તે તો વાત હતી, પરંતુ રાવ સાહેબે કહેલ કે ખરેખર કૂકડો ત્યાંથી જ એટલે કે ખાંભાની બંગલીએથી જ મળેલો હતો અને રાવ સાહેબને આવી નાની અમથી વાતમાં ખોટું બોલવાનું કોઈ કારણ ન હતું કેમ કે તે તો જો કોઈ મોટી બાબત હોય તો પણ ખુલ્લે ખુલ્લું કહી દેતા હતા.

પાટીલ અને પોલીસ સ્ટાફે માન્યું કે આજે કૂકડાની ખાસ પાર્ટી (હલાલ) થઈ જશે. પરંતુ રાવ કૂકડાને લઈને ક્વાર્ટર ઉપર ગયા અને પાળેલા બીજા પ્રાણીઓ સાથે રાખ્યો. તમામ સ્ટાફના આશ્ચર્ય સાથે તે કૂકડાની પાર્ટી એટલે કે હલાલ થયો નહિ, પણ જે ત્રણ પાળેલા પોપટ, બિલાડી અને કૂતરા સાથે કૂકડાનો પણ વધુમાં ઉમેરો થયો. પોલીસ સ્ટાફ અને ખાસ તો ઓર્ડરલી મામદની ઉપાધિ વધી ગઈ. આવેલ કૂકડો અનાજના દાણા કે જીવડાં ખાતો નહિ. દરરોજ પીરસેલું માંસ (નોનવેજ) જ ખાતો હતો. રાવ તો અઠવાડિયામાં એક-બે દિવસ નોનવેજ ખાતા પરંતુ કૂકડાને તો ત્રણે ટાઈમ નોનવેજ જોઈતું. તે સિવાય કોઈ ખાતો નહી એટલે પોલીસે ખાટકી વાડામાંથી નિયમિત કાપેલા પશુઓના ફેંકી દીધેલ અવયવો આંતરડા વગેરે લેવા જવું પડતું. આ કૂકડો એવો પેધી ગયેલો હતો કે બિલાડી અને પોમેડિયન કૂતરા ઉપર પણ રોફ જમાવતો અને તેઓ બંને કૂકડાથી ડરતા પણ હતા !

T2 10

એકાદ મહિનો થયો હશે અને પાળેલો પોપટ પાંજરામાં કોઈ કારણ વગર જ મરી ગયો. પોલીસ સ્ટાફે રાવને કહ્યું; સાહેબ આ કૂકડો વિચિત્ર લાગે છે તેને પાછો મૂકી આવો. રાવે કહ્યું; ’ના, બીજા રહે ના રહે, કૂકડો તો રહેશે જ. પોપટ મરી ગયાના બરાબર એક મહિને પાળેલી બિલાડી પણ મરી ગઈ. સ્ટાફે ફોજદાર રાવને કહ્યું; ’સાહેબ, આ કૂકડો કાં તો બાદવાળો છે અને કાં તો કાંઈક કારણ લાગે છે. આને હવે કાઢી મૂકીએ. રાવે કહ્યું; ’ના, તે તો રહેશે જ.’ આમને આમ દિવસો જતાં બરાબર ત્રીજા મહિને પાળેલું પોમેડિયન કૂતરું પણ કોઈ કારણ વગર જ મરી ગયું. હવે તો પોલીસ સ્ટાફ ઉપરાંત ગામના અમુક પ્રતિષ્ઠિત માણસોને આખા બનાવની ખબર પડતાં રાવને કૂકડો પાછો મૂકી આવવા અથવા કાઢી મૂકવા સલાહ આપી. પરંતુ ફોજદાર રાવે કહ્યું; ’આ તો મારો જિગરી દોસ્ત છે અને તે અહીં જ રહેશે.’ આથી પોલીસ સ્ટાફે રાવ ગામડામાં તપાસમાં ગયા ત્યારે મામદની મદદ લઈ કૂકડાને કાઢી મૂકવા દરવાજા ખોલી પાછળ થયા પરંતુ કૂકડો ફળિયામાંથી બહાર જ નીકળે નહિ. ફરી ફરીને દીવાલ ઉપર બેસી જાય. આથી કોથળો મગાવી તેની ઉપર નાખી કોથળામાં પૂરી મોટરસાઈકલ લઈ ગામના બીજે છેડે પાદરમાં મૂકી આવ્યા. પરંતુ અડધી જ કલાકમાં કૂકડો પાછો આવીને દિવાલ ઉપર બેસી ગયો. મામદ બોલ્યો; ’આ પણ ગયા જનમનો લેણિયાત લાગે છે.

T3 9

આમને આમ ચોથો મહિનો પૂરો થયો અને હંમેશની માફક ઓર્ડરલી મામદ એક દિવસ સવારે ફોજદારી કવાર્ટર ઉપર ગયો પરંતુ હજુ સુધી ફોજદાર રાવ જાગેલા ન હતા. મામદ ઘર બહાર એકાદ કલાક બેઠો. બાદ પોલીસ સ્ટેશને આવીને વાત કરી કે આજે ય મોડું થઈ ગયું છે તો પણ રાવ સાહેબ હજુ ઊઠયા નથી અને દરવાજો ખખડાવું છું તો જવાબ પણ આપતા નથી. દરવાજા બધા અંદરથી બંધ છે. આથી બે ત્રણ જણા ફોજદારી કવાર્ટર ઉપર ગયા અને દરવાજા ખખડાવી સાદ પાડયા, પરંતુ અંદરથી કાંઈ જવાબ મળ્યો નહિ.

દરમિયાન પુષ્કળ માણસો ભેગા થઈ ગયા અને સુથારને બોલાવી દરવાજા ખેડવીને ખોલ્યા. રૂમમાં પલંગમાં પથારી કરેલ હતી પણ પલંગ ખાલી હતો. પશ્ચિમ દીવાલ બાજુનાં રૂમનો દરવાજો હતો તે ખુલ્લો હતો. તે રૂમમાં વચ્ચેના ભાગે ફોજદાર રાવની લાશ પડેલ હતી! શરીર ઉપર કોઈ ઈજા જરા સરખી પણ ન હતી….

T4 6

આ રૂમની પશ્ચિમ દિશાએ ફળિયા તથા સંડાસ બાથરૂમ તરફ જવાનો દરવાજો પણ અંદરથી જ બંધ હતો. રૂમમાં કૂકડો આંટા મારતો હતો પરંતુ કાંઈ બોલતો ન હતો. સ્ટાફને કૂકડા ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો પરંતુ તેને મારવાની કે કાઢી મૂકવાની કોઈની હિંમત જચાલી નહિ. પરંતુ થોડી વારે કૂકડો પોતાની મેળે રૂમ તથા ઘરમાંથી બહાર ચાલ્યો ગયો કયાં ગયો કોઈને ખબર નથી. તે પછી કવાર્ટર ઉપર ક્યારેય પાછો આવ્યો નહિ અને ગામ તથા સીમમાં કયાંય તેનો પત્તો લાગેલો નહિ. રાવની લાશનું પોષ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું. કોઈ ઝેર કે દવાની હાજરી પેટમાં જણાયેલ નહિ પોસ્ટ મોર્ટમ નોટમાં મોતનું કારણ ’કુદરતી મોત-હાર્ટફેલ્યોર’નું જ આવ્યું. રાવને કોઈ બીમારી હતી નહિ. તેમની લાશને શબવાહિનીમાં તેમના વતનમાં મોકલી આપી. તે સમયથી આ ફોજદારી કવાર્ટર ખાલી હતું. કોઈ ફોજદાર તેમાં રહેવા જવાને બદલે ગામમાં ગમે તેવા મકાનમાં ભાડે રહેતા પછી ફોજદાર ચૌધરી આવ્યા અને તેમણે આ મકાન ચાલુ કર્યું. આ મકાન પણ તે અને ઓર્ડરલી મામદ પણ તે જ હતો.

T5 5

જયદેવે વચ્ચે પાટીલને પૂછી લીધું કે ચૌધરી હાજર થયા પછી આ રાવ તથા તેના કૂકડાવાળી વાત કોઈએ તેને કરેલી કે કેમ?
તે પાટીલે કહ્યું; ’ના સાહેબ, ચૌધરી સાહેબને તો કાંઈ ખબર જ ન હતી. આ તો તમે કયાં-કયાંથી જાસૂસી કરીને જાણી આવ્યા અને મને પણ વાત કરવા મજબૂર કર્યો. ચૌધરી અરધી રાત્રે બેગ-બીસ્તરા સાથે પોલીસ સ્ટેશને આવ્યા પછી લોધિકાથી વતન ગયા તે હજુ હાજર જ થયા નથી. કોઈક સાથે કહેવરાવ્યું છે કે હવે લોધિકા ગામમાં જ જવું નથી.

આમ વાત કરીને જમાદાર પાટીલ ચૂપ, શાંત અને ગંભીર થઈ ગયો અને એકદમ ધીમા અવાજે જયદેવને વિનંતી કરી કે સાહેબ આ વાત મેં તમને કરી છે તે મહેરબાની કરી ને બીજા કોઈને કહેતા નહિ કેમ કે બધા સ્ટાફ વાળાએ ભેગા થઈને નક્કી કર્યું હતુ કે આ નવા ફોજદાર સાવ નાની ઉંમરના અને એકલા છે, વળી સ્વભાવ સારો છે. બીજી કોઈ ‘લપ’ નથી. જો થોડો સમય લોધિકામાં રહે તો બધાને સારું, કોઈએ કાંઈ વાત કરવી નહિ. પરંતુ તમે મને ખૂબ આગ્રહ કર્યો એટલે વાત કરી દીધી હવે કવાર્ટરમાં ડર લાગે તો ગામમાં કાલે જ બીજુ મકાન શોધી લઈશું. જયદેવે કહ્યું; ’ના, હું એમ કાંઈ ડરપોક નથી’ પરંતુ જયદેવને મનમાં આખી વાત સાંભળ્યા પછી થોડો ડર અને શંકા પેસી ગયેલી. રાતના સાડા નવ થઈ ગયા હતા. બંને જણા પોલીસ સ્ટેશન આવ્યા. જયદેવનું ટિફિન આવી ગયું હતું.

ઓર્ડરલી મામદ તૈયાર જ હતો. પરંતુ આજે તે કાંઈક વિચિત્ર રીતે જયદેવ સામે જોઈને નીચું જોઈ જતો હતો. તેથી જયદેવે કહ્યું; ’શું છે, મામદભાઈ?’

T6 3

મામદ કહે; ’કાંઈ નહિ. ટિફિન લઈ આવ્યો છું, ચાલો’ અને બંને જણા કવાર્ટર ઉપર આવ્યા. મામદે દરવાજા ખોલી સ્ટોર રૂમમાં જઈ ટિફિન ખોલી થાળી તૈયાર કરી ટિપોય ઉપર મૂકી અને જયદેવ હાથ-પગ ધોઈ વાળુ કરવા બેસી ગયો. વાળુ કર્યા પછી મામદે થાળી લઈને સાફ કરીને બાજુના રૂમમાં જ રાખી દીધી. પરંતુ આજે મામદની વર્તણૂક કાંઈક જુદી લાગતી હતી. થોડી થોડી વારે જયદેવની સામે ત્રાંસી આંખે જોઈને નીચું જોઈ જતો હતો. આથી જયદેવે મામદને પૂછયું; ’શું વાત છે, મામદભાઈ?’ મામદે કહ્યું; ’સાહેબ, પાટીલે આ મકાન વિશે વાત કરીને ?’ જયદેવે હા પાડી એટલે મામદ બોલ્યો અમો બધા એ નક્કી કર્યું હતુ કે તમને આ વાત જ ન કરવી અને ગળગળા સાદે બોલ્યો, છતાં વાત કરી જ દીધી ને ? થોડી વાર મામદ ચૂપ અને ગંભીર થઈને ઊભો રહ્યો પછી બોલ્યો; ’સાહેબ, આજે રાત્રે હું આ મકાનમાં સાથે સૂવ?’

જયદેવને મનમાં શંકા અને ડર હતાં જ. પણ મામદને મારી સાથે મકાનમાં સુવરાવું તો પોતાની મરદની છાપ રહે નહિ અને બીજાને એવી છાપ પડે કે જૂની વાતો સાંભળીને જ ફોજદાર ડરી ગયો. આથી સ્વમાની જયદેવે મામદને સામેથી હિંમત આપી રવાના કર્યો.
તે દિવસે તથા પછી કયારેય જયદેવે રૂમના દરવાજાઓ રાત્રે સૂતી વખતે બંધ કર્યા નહિ, પરંતુ ઓસરીનો દરવાજો અંદરથી સાંકળ દઈ બંધ કરતો.

T7 1

વાંકાનેર સિટીમાં ચોરીના બનાવ વખતે રિવોલ્વર ખાલી હોય અને અંધારાના કારણે લોડ કરી શકેલ નહિ તેથી ગુનેગારો ઉપર ફાયરિંગ કરી શકેલ નહિ તે પછી જયદેવ કાર્ટીસની છ ચેમ્બર પૈકી એક ચેમ્બર ખાલી રાખી પાંચ કાર્ટીસ ભરેલાં જ રાખતો. આમ ભરેલી રિવોલ્વર ઓશીકા નીચે રાખીને પલંગ ઉપર સૂતો. પરંતુ આજે પાટીલે જે વાતો કરેલી, ફોજદાર રાવની, તેમના પાળેલા પશુ પક્ષીની અને તેમના ક્રમબદ્ધ મૃત્યુની તથા ફોજદાર ચૌધરીને અરધી રાત્રે ઘર બહાર ફેંકેલ તે વાતો મગજમાં જ ફરતી હતી. વધુમાં મામદે કવાર્ટરમાં સાથે સૂવાની વાત કરી તે પણ મગજમાં ફરતી હતી. પરંતુ વલીચાચાના શબ્દો યાદ આવ્યા કે તમે પાક ઈન્સાન છો તમને વાંધો નહિ આવે. આથી જયદેવને આત્મવિશ્વાસ વધી ગયો અને તેને નિંદર આવી ગઈ.

આવું સામાન્ય રીતે માણસના જીવનમાં બનતું હોય છે. જયારે કોઈ દુ:ખ, વિપત્તિ કે આફત આવે ત્યારે માણસ હતાશ થઈ જતો હોય છે, પરંતુ તે સમયે તેને કોઈ પ્રોત્સાહન, આશ્વાસન આપનારું હોય તો તે ટકી જાય છે. અને મુશ્કેલીનો સામનો કરવાની આંતરિક શકિત ઊભી થાય છે. ભલે તે આશ્વાસન શબ્દો રૂપે હોય પણ શબ્દો બહુ મોટી તાકાત છે. જેમ શબ્દો યુદ્ધો કરાવી દે તેમ બુદ્ધિશાળી અને મીઠા બોલ વિષ્ઠિકાર યુદ્ધનો અંત પણ લાવી શકે છે અને આખરે કોઈ પણ પ્રશ્ર્નનું નિરાકરણ સમય જ છે ને ? આશ્વાસન રૂપી શબ્દોથી વ્યકિત ઠંડી પડે, આત્મવિશ્વાસ વધે અને તે કપરો સમય પસાર થઈ જાય છે.

T8 2

જયદેવ બીજે દિવસે મોડો ઊઠયો. દિવસ ઘણો ઊગી ગયો હતો. મામદ ઓસરી બહાર ઓટલા ઉપર આવીને બેઠો હતો. ઓસરીનો દરવાજો લાકડાની પટ્ટીઓનો ઝાળીવાળો હોઈ બેઠાં બેઠાં રૂમમાં અંદર જોઈ શકાતું હતું. જયદેવે થોડી વાર પથારીમાં પડયાં પડયાં જોયા કર્યું કે મામદ શું કરે છે. મામદ થોડી થોડી વારે રૂમમાં અંદર ઝાંકતો હતો અને તેની જોવાની પદ્ધતિ વિચિત્ર હતી. તેની આંખો પહોળી થઈ જતી હતી અને થોડો અસ્વસ્થ લાગતો હતો.

જયદેવે સૂતાં સૂતાં કહ્યું; ’મામદભાઈ આવી ગયા?’ અને મામદ એકદમ ઊભો થઈ ને બોલ્યો ‘જી, સાહેબ’ જયદેવે દરવાજો ખોલ્યો તો મામદ જયદેવ સામે કાંઈક કૌતુકથી જોતો હોય તેમ વિચિત્ર રીતે જોવા લાગ્યો. એટલે જયદેવે કહ્યું; ‘મામદભાઈ, હું જીવતો છું, ભૂત નથી.’ અને મામદ લેવાઈ ગયો. તે બોલ્યો; ‘ના જી સાહેબ, એવું નહિ, અલ્લાહ ખૈર કરે. તમારા જેવા ઈન્સાનને સો વર્ષનું આયુષ્ય આપે’ તેમ કહી રૂમમાં અંદર આવી પહેલાં બંને રૂમને બારીકાઈથી જોયા અને જયદેવને કહ્યું; ’સાહેબ, પશ્ચિમ બાજુના રૂમના વચલા દરવાજા બંધ રાખતા હો તો?’

જયદેવ કહે ભલે હવે બંધ રાખીશ અત્યારના પહોરમાં જયદેવને બીજી કોઈ વાત સાંભળવી નહોતી. જયદેવ બ્રશ કરવા જતા મામદ પોલીસ સ્ટેશન પાસે જ આવેલ બસ સ્ટેન્ડ ઉપર ચા લેવા ગયો.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.