વેટરનીટી ડોકટર સહિતની ટીમ દોડી આવી
ધ્રોલ તાલુકાના રાજપર ગામે છેલ્લા સાતેક દિવસ થી માલધારીના 142 જેટલા પશુઓના ભેદી કારણથી મોત નિપજયા હતા. આ ઘટનાની જાણ થતા વેટરનીટી ડોક્ટર સહિતની ટીમો દોડી ગઇ હતી.
ધ્રોલ તાલુકાના રાજપર ગામે પશુપાલનનો વ્યવસાય કરતા સુરાભાઈ વચ્છાભાઇ બાંભવા, મચ્છાભાઈ સુરાભાઈ બાંભવા, કરશનભાઈ પોલાભાઇ ટોરીયા, કાળાભાઇ ટપુભાઇ ટોરીયા, ઘેલાભાઈ ભુરાભાઈ ટોરીયા, બાવાભાઇ ભુરાભાઈ ટોરીયા,સુરાભાઇ ભુરાભાઈ ટોરીયા નામના માલધારીઓ પોતાના ઘેટા-બકરાઓને એક વાડામાં દૈનિકક્રમ મુજબ રાખતા હતા. છેલ્લા છ – સાત દિવસથી રોજ પંદર – વીસ જેટલા પશુઓના મોત નિપજતા હતા. માલધારીઓ કોઈ રોગ હોવાનું કારણ માની મૃત પશુને દફન કરી દેતા હતા. પશુઓના મોતનો સીલસીલો ચાલુ રહેતા અતે સરપંચ વીરેન્દ્રસિંહને જાણ કરી હતી.
આ બનાવમાં 142 જેટલા પશુઓનાં મોત થયાનું બહાર આવ્યું હતું. સરપંચે આ બનાવની જાણ પશુપાલન વિભાગને કરતા તાકીદે પશુ ડોક્ટર સહિતની વેટરનીટી વિભાગની ટીમ દોડી ગઇ હતી. મૃત પશુઓના પી.એમ. સહિતની કામગીરી હાથ ધરાઇ હતી. ધેટા-બકરાઓના મોતનું કારણ પી.એમ. રીપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે.
વાયરલ ઈન્ફેકશન હોવાની શંકા: વેટરનીટી ઓફિસર
પ્રાથમિક દ્રષ્ટીઓે તો વાયરલ ઈન્ફેકશન હોવાનું જણાય છે. છે. તે પશુઓનું પી.એમ. કરી નમુના લેબમાં મોકલવામાં આવ્યા છે. પી.એમ. રીપોર્ટ આવ્યા બાદ સાચું કારણ જાણી શકાશે. – એન. ટી. નાયકપરા, (વેટરનીટી ઓફીસર) ધ્રોલે જણાવ્યું હતું.