ગિરનારના સૌથી ઉચા શિખર સ્થિત કમંડલ કુંડ આશ્રમની મોરારીબાપુની ૮૪૯મી રામકથાનો પ્રારંભ
જૂનાગઢ ખાતે ગિરનાર પર્વતમાળાના સૌથી ઉંચા શિખર સ્થિત આદિગુર દતાત્રેય ભગવાનની અક્ષય તપસ્થળીના કમંડલ કુંડ આશ્રમના પાવન પ્રાંગણેથી મોરારીબાપુની ૮૪૯મી રામકથાનો આજે મંગલમય પ્રારંભ થયો હતો. કથાના પ્રારંભે ગણેશ વંદના, શિવ સ્તુભ, હનુમાન વંદન તેમજ ભગવાન શ્રી રામના સુંદર ભજનથી કથાનો આરંભ થયો હતો. ગીરીરાજ ગીરનારના ચરણોમાં પ્રણામ કરી મોરારીબાપુએ જણાવ્યું હતું કે વર્ષોથી ગીરનારની તળેટીમાં કથાગાન કરવાની મારી ઇચ્છા આજે પૂર્ણ થઇ છે. મોરારીબાપુએ શ્રોતાવગરના કથા સ્થળેથી કરૂણામય વાણીમા ઘરબેઠા કથા રસપાન કરતા ભાવિકોનું અભિવાદન કર્યુ હતું.
સોરઠના અવધૂત જોગંદર સમાન ગિરનાર પર્વત પર રામાયણી મોરારિબાપુની ઐતિહાસિક કથાનો આજથી પ્રારંભ થયો છે. કોરોનાના કપરા કાળમાં સંજીવની સમાન શ્રોતા વિનાની મોરારિબાપુ દ્વારા આ છટ્ઠી કથા છે. જે તેમની કુલ કથા ક્રમની ૮૪૯મી કથા છે.
આજે સવારે કથાનો પ્રારંભ કરાયો હતો. નવલાં નોરતાંનાં આ પ્રાણવાન પર્વમાં અવધૂત – નગાધિરાજ ગિરનારની કમંડળ કુંડની ટૂક પર જ્યાં ૮૪ સિદ્ધનાં બેસણાં છે, નવનાથે જ્યાં અખંડ ધૂણો પ્રકટાવેલો છે, જ્યાં ૬૪ જોગણીઓ બિરાજે છે. જેનાં સર્વોચ્ચ શિખર પર ભગવાન ગુરુ દત્તની અખંડ-અનંત ઉર્જાથી સભર અક્ષય તપસ્થલી છે. એવા આ અદ્ભુત સ્થાન પર મોરારી બાપુની કોરોના કાળ દરમિયાન શ્રોતા વગરની છઠ્ઠી રામકથાનું રસપાન થઇ રહ્યું છે.
આ પહેલા પણ જુનાગઢ શહેર અને સોરઠ પંથકમાં મોરારી બાપુંનું કથા ગાન થયું છે. પરંતુ હિમાલય પરનું કૈલાસ-માનસરોવર, નિલગિરિ પર્વત પરનું ભૂસંડી સરોવર, બર્ફાની બાબા અમરનાથ તેમ જ ચારધામ – બદ્રિનાથ, કેદારનાથ, યમનોત્રી અને ગંગોત્રી જેવા દુર્ગમ ક્ષેત્રમાં રામકથાનું ગાન કરી ચૂકેલા મોરારીબાપુ ગિરનાર પર્વત પર પહેલીવાર કથા કરી રહ્યા છે.
બાપુના અંગતના વર્તુળો માથી પ્રાપ્ત વિગતો મુજબ, મોરારીબાપુએ ખાસ સંદેશ આપતા જણાવ્યું છે કે, “કોરોના સંદર્ભે સરકાર અને આરોગ્યતંત્રની જે કંઈ પણ માર્ગદર્શિકા અને નિયમો છે, તેનું ચુસ્ત પાલન કરીને આ કથા ગવાશે. વાદ્યકારો અને થોડા ટેકનિશિયન સિવાય કથામાં કોઈ શ્રોતા ઉપસ્થિત નથી.
આ ઉપરાંત વન વિભાગની મંજૂરી લઈ બધાં જ નીતિ-નિયમોને આધિન રહીને કથાનું આયોજન કરાયું છે. આ કથાનું લાઈવ આસ્થા ચેનલનાં માધ્યમથી તેમજ યુ-ટ્યૂબ પરથી ભાવિકોએ ઘેર બેઠા રસપાન કર્યુ.