હિમાચલના ભૂતપુર્વ ડીજીપી અને નાગાલેન્ડ-મણિપુરના ભૂતપુર્વ રાજ્યપાલ અશ્વિની કુમારે ઘરે ફાંસી લગાવી જીવન ટૂંકાવ્યું
સીબીઆઈના પૂર્વ વડા અને હિમાચલ પ્રદેશના ભૂતપુર્વ ડીજીપી અશ્વિની કુમારે બુધવારે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. પ્રાપ્ત વિગત અનુસાર તેમણે શિમલા સ્થિત ઘરમાં ફાંસી લગાવી લીધી હતી. તેઓ ડિપ્રેશનનો સામનો કરી રહ્યા હતા તેવું પણ હાલ જાણવા મળી રહ્યું છે. શિમલાના પોલીસ વડા મોહિત ચાવલાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે આ એક ચોકાવનારી ઘટના છે. ચાવલાએ કહ્યું કે પોલિસ અધિકારીઓ માટે અશ્વિની કુમાર એક રોલ મોડલ હતા.
અશ્વિની કુમારનો જન્મ ૧૫ નવેમ્બર ૧૯૫૦માં હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના નાહનમાં થયો હતો. તેમણે કિન્નોર જિલ્લાના કોઠી ગામ પાસે સરકારી પ્રાથમિક શાળામાં પોતાની શરૂઆતી શિક્ષણ મેળવ્યુ હતું. ત્યારબાદ તેમને નેશનલ ઈન્ડિયન મિલિટ્રી કોલેજ દેહરાદૂન તથા બિલાસપુરની સરકારી કોલેજથી શિક્ષણ મેળવ્યુ હતું. તેમણે ગ્રેજ્યુએશન હિમાચલપ્રદેશના નાહન સ્થિત સરકારી કોલેજમાંતી કર્યું. તેમણે હિમાચલપ્રદેશ યુનિવર્સિટીથી મેનેજમેન્ટમાં પીએચડી કરી હતી.
અશ્વિની કુમાર વર્ષ ૨૦૦૮માં સીબીઆઈના ડિરેક્ટર બન્યા હતા. તે ઉપરાંત અશ્વિની કુમાર નાગાલેન્ડના રાજ્યપાલ તરીકે પણ કાર્યભાર સંભાળી ચુક્યા હતા. વર્ષ ૨૦૧૩માં તેઓ થોડા સમય માટે મણિપુરના ગવર્નર પણ રહ્યા હતા. ઓગસ્ટ ૨૦૦૬થી જુલાઈ ૨૦૦૮ વચ્ચે તેઓ હિમાચલપ્રદેશના ડીજીપી રહ્યા હતા. ૨ ઓગસ્ટ ૨૦૦૮ થી ૩૦ નવેમ્બર ૨૦૧૦ સુધી તેઓ સીબીઆઈના ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન અમિત શાહની શોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં ધરપકડ કરી હતી. વર્ષ ૧૯૮૫ માં શિમલાના પોલીએ વડા રહેલા અશ્વિની કુમારને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ(એસપીજી)માં નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ ૧૯૮૫ થી ૧૯૯૦ સુધી તેમણે એસપીજી માં અનેક પદો પર કામ કર્યું હતું. તેઓ પીએમઓમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર પણ રહી ચુક્યા હતા. તેમણે ભારતીય ગુપ્તચર એજન્સીમાં પણ કામ કર્યું હતું.
જીવન ટૂંકાવ્યા પૂર્વે એક સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં તેમણે લખ્યુ હતી કે, ’ હું મારું જીવન સમાપ્ત કરી રહ્યો છું. સૌ ખુશ રહો. મારી આત્મા હવે નવી મુસાફરીએ જી રહી છે’. જે બાદ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. મોત પાછળ જવાબદાર કારણ અંગે હાલ તપાસ કરાઈ રહી છે પરંતુ પ્રાપ્ત વિગત અનુસાર કોઈ બીમારીથી પીડાતા હોવાથી અશ્વિની કુમારે આ પગલું લીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
અશ્વિની કુમારના પત્ની અને વહુએ પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમણે બપોરે પરિવાર સાથે ભોજન લીધું હતું. જે બાદ તેઓ વોક માટે નીકળ્યા હતા. તે દરમિયાન તેમણે કાલી બારી મંદિરનું મુલાકાત લઈને પૂજા અર્ચના પણ કરી હતી. ઘરે પરત ફર્યા બાદ તેઓ દરરોજ મેડિટેશનના સમયે તેમના રૂમ માંથી બહાર ન નીકળ્યા ત્યારે પરિવારે જોતા તેમના રૂમના દરવાજા બંધ હોવાથી દરવાજો તોડી જ્યારે પરિવારે રૂમમાં નજર કરી ત્યારે અશ્વિની કુમારનો મૃત દેહ મળી આવ્યો હતો.