મેયર, સ્ટે.ચેરમેન, શાસક નેતાઓ પાસે નોકરી માટે ભલામણ લઈ આવતા અરજદારો: પદાધિકારીઓ દ્વારા એક જ જવાબ મેરીટમાં પાસ થશે તો જ નોકરી મળશે

કોર્પોરેશનની અલગ અલગ શાખાઓમાં ખાલી પડેલી જુનિયર કલાર્કની 122 જગ્યાઓ ભરવા માટે 45397 ઉમેદવારોની આવતીકાલે રાજ્યના અલગ અલગ 6 શહેરોમાં પરીક્ષા લેવામાં આવનાર છે. કલાર્કની ભરતીમાં પોતાના લાગતા-વળગતાઓને ફીટ કરી દેવા માટે પદાધિકારીઓ સમક્ષ છેલ્લા કેટલાંક દિવસથી ભલામણનો મારો શરૂ થયો છે. જો કે, શાસક પાંખ દ્વારા તમામને એક જ જવાબ આપવામાં આવી રહ્યો છે કે, મેરીટના આધારે જ પસંદગી કરવામાં આવશે. કોઈની ભલામણ સ્વીકારવામાં આવશે નહીં.

જુનિયર કલાર્કની પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર થતાંની સાથે જ અરજી કરનારાઓ મેયર, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન અને શાસક પક્ષના નેતા પાસે ભલામણ લઈને પહોંચી રહ્યાં છે. ગઈકાલે દિવસ દરમિયાન ભલામણનો ભરચક્ક મારો ચાલુ રહ્યો હતો. જો કે, પદાધિકારીઓએ ખોટુ આશ્ર્વાસન આપવાના બદલે તમામને એક જ જવાબ આપ્યો હતો કે, જો મેરીટમાં ઉતિર્ણ થશો તો જ પસંદગી કરવામાં આવશે. કોઈ પદાધિકારી કે અધિકારીની ભલામણ ચલાવી લેવામાં આવશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે, અલગ અલગ શાખામાં ખાલી પડેલી 122 જુનિયર કલાર્કની ભરતી માટે ગત જાન્યુઆરી, ફેબ્રુઆરી માસમાં અરજી મંગાવવામાં આવી હતી. 122 જગ્યાઓ માટે 45397 અરજીઓ આવી છે. રવિવારે રાજ્યના અલગ અલગ 6 સેન્ટરોમાં તમામની પરીક્ષા લેવામાં આવનાર છે.

આ માટે કુલ 1624 રૂમમાં પરીક્ષા લેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને 145 અધિકારીને પરીક્ષાની વ્યવસ્થા સોંપવામાં આવી છે. દરમિયાન આજે સવારે પણ સુચારૂપણે વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કમિશનર અમીત અરોરાએ અધિકારી સાથે બેઠક બોલાવી હતી. સુરત, વડોદરા સહિતના જે શહેરો માટે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે તેઓ આજે રવાના થઈ ગયા છે. રાજકોટ માટે જવાબદારી સોંપવામાં આવી છે તેને આવતીકાલ સુધીમાં તમામ કેન્દ્રોની ચકાસણી કરી લેવા જણાવવામાં આવ્યું છે. શાસક પાંખ અને વહીવટી પાંખ દ્વારા એક જ લીટીનો મેસેજ આપવામાં આવી રહ્યો છે કે, જુનિયર કલાર્કની ભરતીમાં ભલામણ ચાલશે નહીં. મેરીટના આધારે જ પસંદગી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.