રાજકારણને લઈને ભગવાન રામમાં પણ મારા-તમારા થઈ રહ્યા છે. કોંગ્રેસે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભાજપ-આરએસએસ પૂરતો જ સીમિત ગણાવી તેમાં ઉપસ્થિત ન રહેવાનો નિર્ણય લીધો છે. જો કે આ નિર્ણયથી હવે ચૂંટણીમાં ઘેરા પડઘા પડે તે નક્કી હોવાનું મનાય રહ્યું છે.
કોંગ્રેસે ગઈકાલે જાહેરાત કરી હતી કે તે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપશે નહીં. દેશની સૌથી જૂની પાર્ટીએ ભવ્ય મંદિરના ઉદ્ઘાટનને ભાજપ-આરએસએસનો કાર્યક્રમ ગણાવ્યો હતો. પાર્ટીએ એક નિવેદનમાં કહ્યું, ધર્મ એ વ્યક્તિગત બાબત છે પરંતુ આરએસએસ અને ભાજપે અયોધ્યા મંદિરને એક રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધો છે.
કોંગ્રેસે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભાજપ-આરએસએસ પૂરતો જ સીમિત ગણાવી તેમાં ઉપસ્થિત ન રહેવાનો નિર્ણય લીધો, રાજકારણથી આગળ આવીને રામમંદિરની ઘટનાને કોંગ્રેસ નહિ જુએ તો ચૂંટણીમાં પડઘા પડશે
સનાતમ ધર્મ માટે રામમંદિર આસ્થાની જગ્યા, કોર્ટના ચૂકાદા બાદ જ કોંગ્રેસે આ મામલે જોડાવું જોઈતું હતું, હવે કોંગ્રેસે નુકસાની ભરપાઈ કરવાની તૈયારી રાખવી પડશે
કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ અને આરએસએસના નેતાઓ દ્વારા અયોધ્યામાં અધૂરા મંદિરનું ઉદ્ઘાટન દેખીતી રીતે ચૂંટણીના ફાયદા માટે કરવામાં આવ્યું હતું. જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભગવાન શ્રી રામ એક આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને આસ્થાની વાત છે. કોંગ્રેસે આવા રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈએ.
કોંગ્રેસના ઘણા નેતાઓએ ભાજપ પર રામ મંદિરના ઉદ્ઘાટનનો શ્રેય લેવા માટે ધાર્મિક કાર્યક્રમનું રાજકીયકરણ કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ રામ મંદિર ઉદ્ઘાટનને યાદગાર કાર્યક્રમ બનાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે મોટાભાગના વિરોધ પક્ષો સમારોહમાં ભાગ લેવો કે કેમ તે અંગે મૂંઝવણમાં અટવાયેલા છે. લોકસભાની ચૂંટણી થોડા મહિનાઓ દૂર હોવાથી, જો તે ભાગ નહીં લે તો તેને સનાતન વિરોધી તરીકે ચિહ્નિત થવાનો ડર છે અને જો તે સામેલ થશે તો ભાજપની સિદ્ધિના સાક્ષી બનવાનો ડર છે.
બીજી તરફ રાજકારણથી આગળ આવીને રામમંદિરની ઘટનાને કોંગ્રેસ નહિ જુએ તો ચૂંટણીમાં પડઘા પડશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.સનાતમ ધર્મ માટે રામમંદિર આસ્થાની જગ્યા છે. કોર્ટના ચૂકાદા બાદ જ કોંગ્રેસે આ મામલે જોડાવું જોઈતું હતું, હવે કોંગ્રેસે નુકસાની ભરપાઈ કરવાની તૈયારી રાખવી પડશે.
સીપીએમ પહેલેથી જ જાહેરાત કરી ચૂક્યું છે કે તે આ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં, ભાજપ પર ધાર્મિક કાર્યક્રમનું રાજનીતિકરણ કરવાનો આરોપ લગાવ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ભાજપ પર આરોપ લગાવ્યો કે લોકસભા ચૂંટણી પહેલા મંદિરના ઉદ્ઘાટનનો ઉપયોગ એક ખેલ તરીકે કરી રહ્યો છે.
રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી ન આપવાના કોંગ્રેસના નિર્ણય પર ભાજપના નેતાઓએ તીખી પ્રતિક્રિયા આપી હતી. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું, જો તેઓ નહીં આવે તો તેમને પસ્તાવો થશે. ભાજપના સાંસદ મનોજ તિવારીએ પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેઓ દર્શન માટે કેવી રીતે જશે? શું તે સાચું નથી કે કોંગ્રેસે ત્યાં રામ મંદિર ન બને તે માટે વરિષ્ઠ વકીલોને મેદાનમાં ઉતાર્યા? તેઓએ ભગવાન રામને કાલ્પનિક પાત્ર ગણાવ્યું. તેઓએ રામ સેતુને નકારી કાઢ્યું. તે કર્યું. આ તેમની માનસિકતા છે. મને નથી લાગતું કે તેમની વિચારસરણી બદલાશે. ભગવાન રામ માત્ર ભાજપ અને આરએસએસના જ નથી, પરંતુ દરેક વ્યક્તિના છે. જો કોંગ્રેસને લાગે છે કે ભગવાન રામ તેમના નથી, તો તે તેમની સમસ્યા છે, તિવારીએ કહ્યું.
નોતરૂ ઠુંકરાવવા મામલે ગુજરાત કોંગ્રેસમાં નારાજગીના સુર
ધારાસભ્ય અર્જૂનભાઇ મોઢવાડિયા અને પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી ન આપવાના કોંગ્રેસના નિર્ણયનો આડકતરી રિતે કર્યો વિરોધ
અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી નહી આપવાનો નિર્ણય કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. રામ મંદિરનું નિર્માણ કામ અડધુ હોવા છતા માત્ર ચૂંટણી નજીક આવતી હોવાના કારણે પ્રતિષ્ઠા ખોટા સમયે થઇ રહી છે. પ્રતિષ્ઠા મહોત્સવને ભાજપ અને આરએસએસે પોતાની ઇવેન્ટ બનાવી દીધી છે. તેવું બહાનુ આગળ ધરી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જૂન ખડગે, દિગ્ગજ નેતા સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહી જોડવાનો નિર્ણય લીધો છે. લોકસભાની ચૂંટણી સમયે જ કોંગ્રેસના આ નિર્ણયથી પક્ષમાં ધમાસાણ મચ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ હાઇકમાન્ડના આ નિર્ણયની આડકતરી આલોચના કરી છે. આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં સરયુ નદીના કાંઠે ભગવાન શ્રી રામલલ્લાની વર્ષા બાદ નીજ મંદિરમાં પૂન: પધરામણી થઇ રહી છે. ત્યારે દેશભરમાં જાણે રામ રાજ્યનું નિર્માણ થઇ રહ્યું હોય તેવો રામમય માહોલ બની ગયો છે.
ગામે-ગામ અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું ભક્તિભાવ સાથે પુજન થઇ રહ્યું છે. રામ મંદિર ટ્રસ્ટ દ્વારા કોંગ્રેસને પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. દરમિયાન ગઇકાલે કોંગ્રેસ દ્વારા સત્તાવાર રિતે એવી ઘોષણા કરવામાં આવી છે કે મંદિરનું નિર્માણ કામ અઘરૂ છે. ચૂંટણી નજીક આવી રહી હોવાના કારણે ઉતાવળે પ્રતિષ્ઠા કરવામાં આવી હોય કોંગ્રેસ આ મહોત્સવમાં સામેલ નહી થાય.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ, ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જૂનભાઇ મોઢવાડીયાએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું હતું કે ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ છે. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશવાસીઓની આસ્થા અને વિશ્ર્વાસનો વિલય છે. કોંગ્રેસે આવા રાજનીતિક નિર્ણયો લેવાથી દુર રહેવું જોઇએ.
પૂર્વ ધારાસભ્ય અંબરીશભાઇ ડેરે સોશિયલ મીડિયા પર આ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું હતું કે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામ આપણા આરાધ્ય દેવ છે. તેથી ભારતભરના અસંખ્ય લોકોની શ્રધ્ધા નવ નિર્મિત મંદિર પ્રત્યે વર્ષોથી જોડાયેલી હોય એ સ્વાભાવિક છે કોંગ્રેસ પક્ષના અમૂક લોકોએ ચોક્કસ પ્રકારના સ્ટેટમેન્ટથી ડિસ્ટન્સ જાળવવું જોઇએ અને લોક લાગણીને દીલથી માન આપવું જોઇએ. આવા નિવેદનો મારા જેવા ગુજરાત કોંગ્રેસ પક્ષના અસંખ્ય કાર્યકર્તાઓ માટે નિરાશા પમાડનારા છે.
કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે ટ્વીટ કર્યું છે કે રામથી મોટું કોઇ નામ નથી. મને આમંત્રણ મળ્યુ હોત તો જાત, મારો સંકલ્પ છે કે હું રામજીના દર્શન કરવા જઇશ શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહી જવાના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના નિર્ણયથી ગુજરાતમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇ વધતા-ઓછા પ્રમાણમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં રાજકોટ મહાનગર પાલિકાના આંગણે અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું આગમન થતા ભાજપ સાથે કોંગ્રેસના આગેવાનોએ પણ ભક્તિભાવ સાથે તેના વધામણા કરી પુજા-અર્ચના કરી હતી.