રાજકોટ પશ્ર્ચિમ-૬૯ના કાર્યકર્તા સ્નેહમિલનમાં વિજયભાઈ પર વરસી ગયા
હું રાજકોટનો દીકરો છું અહીં જ નાનાથી મોટો થયો છું મને મુખ્યમંત્રી રાજકોટવાસીઓએ જ બનાવ્યો છે. હું જે છું તે તમારા પુરુષાર્થથી, તમારી લાગણીથી છું. રાજકોટનું મારા પર ઋણ છે. આ શહેરના વિકાસકાર્યોએ મારું આજીવન વ્રત છે તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ-૬૯ વિધાનસભા વિસ્તારના કાર્યકર્તા સ્નેહ મિલનમાં જણાવ્યું હતું. હજારો કાર્યકર્તાઓની હાજરીમાં યોજાયેલા આ સ્નેહ મિલનમાં સી.એમ. રૂપાણીએ અનેક મહત્વની જાહેરાતો કરી હતી. તેમણે રાજકોટને મીટર પઘ્ધતિથી ૨૪ કલાક પાણી આપવા વચન આપ્યું હતું. તેમણે અભયવચન આપતા જણાવ્યું હતું કે સૌની યોજનાના ચમત્કારના પ્રતાપે હવે આજીડેમ કયારેય ખાલી નહીં રહે. રાજકોટનું એસ.ટી.બસ સ્ટેન્ડ એરપોર્ટકક્ષાનું હશે.એક તરફ રાજકોટ અને કાર્યકર્તાઓ પર તેઓ વરસી પડયા હતા તો બીજી તરફ વિરાટ કોહલીની અદાથી તેમણે કોંગ્રેસની ધોલાઈ કરી હતી. તેમણે કહ્યું હતું કે, જ્ઞાતી જાતીનું રાજકારણ ખેલવામાં ઉસ્તાદ એવી કોંગ્રેસને વિકાસની રાજનીતિ માફક નથી આવતી. કોંગ્રેસના રાજમાં ચૂલા ફુંકી ફુંકી બહેનોની આંખો ફુટી ગઈ, બીમારીઓ ઘર કરી ગઈ જયારે ભાજપ ત્રણ કરોડ ઘરમાં નવા ગેસ કનેકશનો આપી લોકોને રાહત પહોંચાડી છે. આ વિકાસને કારણે જ ગામડે ગામડે પાણી પહોંચ્યા છે. વીજળી પહોંચી છે. વિકાસને લીધે આઠ હજાર કરોડના ખર્ચે રસ્તા બન્યા છે. વિકાસને પ્રતાપે જ લોકોને રોજગારી મળી છે. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં ૬૦ વર્ષ કોંગ્રેસને મળ્યા, રાજયમાં ૪૫ વર્ષ મળ્યા આટઆટલા વર્ષો સુધી રોજગાર પેદા નહીં કરી શકનાર કોંગ્રેસને બેરોજગારી અંગે વાત કરવાનો હકક જ નથી.જીએસટીના મુદે મુખ્યમંત્રી રૂપાણીએ વેપારી વર્ગને આશ્ર્વાસન આપતા વચન આપ્યું હતું કે, વ્યાપારી આલમનાં જે કંઈ પ્રશ્ર્નો હશે એ તમામ હલ કરાશે, તમામ તકલીફો દુર થશે. વેપારીઓ મુકતપણે વ્યાપાર કરે એ જ અમારું લક્ષ્ય છે. અગાઉ ૧૪-૧૪ ટેકસની ભ્રમજાળ હતી. તે હવે જીએસટી દ્વારા દુર થઈ છે. ભાજપની સરકારના સતાકાળ દરમિયાન થયેલા અનેક લોકકાર્યોની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના કાળામાં ગુજરાતમાં મેડિકલની માત્ર ૮૦૦ સીટ હતી આજે ૪૦૦૦ છે. એન્જિનિયરીંગની ફકત ૮૦૦૦ બેઠકો હતી. આજે ૧,૫૦,૦૦૦ કરતા વધુ છે. અગાઉ ગુજરાતનાં વિદ્યાર્થીઓએ અભ્યાસર્થે છેક મહારાષ્ટ્ર અને કર્ણાટક જવુ પડતું, આજે ઘરઆંગણે ઉતમ સંસ્થાઓ છે.શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ નુતન વર્ષને વધાવવા શહેર ભાજપ દ્વારા વિધાનસભા વાઈઝ સ્નેહમિલનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તે અંતર્ગત વિધાનસભા-૬૯ રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને શહેરનાં પ્રભારી પુષ્પદાનભાઈ ગઢવી, અભયભાઈ ભારદ્વાજ, જયોતિન્દ્રભાઈ મહેતા, કમલેશભાઈ જોષીપુરા, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, મોહનભાઈ કુંડારીયા, દર્શિતાબેન શાહ, હરિભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, કૌશિકભાઈ શુકલ, રમેશભાઈ ટીલાળા, ડો.વલ્લભભાઈ કથીરીયા, દિલીપભાઈ પટેલ, નલીનભાઈ વસા, માંધાતાસિંહ જાડેજા, ઉમેશભાઈ રાજયગુરુ, જીતુભાઈ મહેતા, રામભાઈ મોકરીયા,ભીખાભાઈ વિરાણી, પંકજભાઈ રાવલ, વસંતભાઈ ભાલોડીયા, અરવિંદ દોમડીયા, વી.પી.વૈષ્ણવ સહિતનાની ઉપસ્થિતિમાં શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ, અમૃતસાગર પાર્ટી પ્લોટ ખાતે વિધાનસભા-૬૯નાં કાર્યકર્તાઓને નૂતનવર્ષની શુભેચ્છા પાઠવવા નૂતનવર્ષ સ્નેહમિલન યોજાયું હતું. જેમાં વિવિધ સમાજનાં શ્રેષ્ઠીઓના હસ્તે દીપ પ્રાગટય કરી નુતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. વિધાનસભા ૬૯નાં સમાવિષ્ટ વોર્ડ નં.૧,૨,૩,૭,૮,૯ તથા ૧૦નાં વોર્ડ પ્રમુખ, પ્રભારીઓ તેમજ કોર્પોરેટરો દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલનનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડે અને અંતમાં આભારવિધિ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારીએ કરી હતી.