‘અબતક’ની મુલાકાતમાં એકેડેમીના પ્રતિનિધિઓએ સૌરાષ્ટ્રના સૌ પ્રથમ દિવ્યાંગોને અપાતી ટ્રેનિંગની આપી વિગતો: સૌરાષ્ટ્રના મનોદિવ્યાંક બાળકો માટે દર રવિવારે ટ્રેનિંગ કેમ્પ
દિવ્યાંગ બાળકો બિચારા નથી સમાજમાં તેમને સહજતાથી સ્વીકાર્ય કરવાનો માહોલ ઊભો થાય એ જ મારું લક્ષ્ય છે. ‘અબતક’ની મુલાકાતે આવેલા વન્ડરસ્પોર્ટ એકેડેમીના ભૂમિકાબેન દુધાત્રા, નિમિષાબેન સુતરીયા, પ્રીતિબેન આણંદપરા, જાગૃતીબેન રાજ્યગુરુ, પ્રાર્થનાબેન વેજાણી, ઉમેશભાઈ વેજાણી, બ્રિજેશભાઈ દુધાત્રા એ વન્ડર સ્પોટ એકેડેમીની વિગતો આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌપ્રથમ વખત વંડર સ્પોર્ટ એકેડેમી દ્વારા દર રવિવારે સવારે 9:00 થી 11;30 દરમિયાન દિવ્યાંગ બાળકો માટે વિવિધ રમતો અંગેની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
વિવિધ રમતોની ટ્રેનિંગમાં દિવ્યાંગ બાળકોને ખાસ ટ્રેનિંગ આપી સ્પર્ધાઓમાં ભાગ લે તે માટે તૈયાર કરવામાં આવે છે. ભવિષ્યમાં આવા બાળકો રાષ્ટ્રીય ને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં નામ રોશન કરે તેવી મનોકામના ભૂમિકાબેન દુધાત્રાએ વ્યક્ત કરી હતી. ‘અબતક’ સાથેની વાતચીતમાં તેમના મિશનની વિગતો આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌપ્રથમ વખત વન્ડર સ્પોટર્સ એકેડમી દ્રારા દર રવીવારે સવારે 9-00 થી 11-30 દરમ્યાન મનો દિવ્યાંગ બાળકો માટે વિવિધ રમતો અંગેની ટ્રેનીંગ અપાય છે.
જેમાં મનો દિવ્યાંગ બાળકોને સ્પેશ્યલ ઓલ્મ્પિક તેમજ સ્પેશ્યલ મહા ખેલ કુંભ, પેરા ઓલ્મ્પિકમાં રમાતી જુદી-જુદી રમતો જેવી કે ક્રિકેટ, ફૂટબોલ, બેડમીન્ટન, સાયકલીંગ, બાસ્કેટ બોલ, હેન્ડબોલ, બોલીબોલ, સ્લો રનીંગ, ફાસ્ટ રનીંગ તેમજ એથ્લેટીકસની ઈન્ડોર અને આઉટડોર રમતો તથા મેડીટેશન-યોગા અંગે નિ:શુલ્ક ટ્રેનીંગ આપીએ છીએ. આ ટ્રેનીંગનો લાભ લેવા સૌરાષ્ટ્ર-કચ્છના મનોદિવ્યાંગ બાળકો તેમજ તેના વાલીઓને અપીલ કરાય છે.
મનો દિવ્યાંગો માટે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની એનકવિધ યોજનાઓ જેવી કે પેન્શન, બસ પાસ, નિરામયા યોજના (વિમો), ગાર્ડીયનશીપ સર્ટીફીકેટ, સાધન સહાય યોજના તેમજ દિવ્યાંગોની લગતી સરકારી તમામ યોજનાઓ કાર્યરત હોય છે. અપુરતા જ્ઞાન, પ્રમાણમાં સીમીત શિક્ષણ કે નિરક્ષરતા, પેપર વર્ક અંગેની આળસ અને અણઆવડત, ઉદાસીનતા કે બિમારીને લઈને વ્યાપ્ત નિરાશા વિગેરે જેવા કારણોને લઈને મોટાભાગનાં મનો દિવ્યાંગો સરકારની મળવાપાત્ર યોજનાઓનો લાભ લઈ શકતા નથી અને હેરાન થતા હોય છે.
મનો દિવ્યાંગો માટે સતત કાર્યરત એવા વન્ડર સ્પોર્ટસ એકેડમીના પ્રમુખ ભુમિકાબેન દુધાત્રા દ્વારા દિવ્યાંગો માટે નિ:શુલ્ક માર્ગદર્શન આપીએ છીએ. દિવ્યાંગ બાળકો અંગેના કોઈપણ પ્રશ્ર્ન હોય તો તેની એક યાદી બનાવીને આવવું જેથી તમામ પ્રશ્ર્નનું સ્થળ પર નિરાકરણ થઈ શકે.વન્ડર સ્પોર્ટસ એકેડમીના પ્રમુખ ભૂમિકાબેન દુધાત્રા મનો દિવ્યાંગો તથા તેમના વાલીઓને મળી રૂબરૂ, નિ:શુલ્ક માર્ગદર્શન આપશે. જેનો લાભ લેવા સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના દિવ્યાંગ બાળકો, યુવાન, વડીલો તેમજ તેમના સગા-વ્હાલાઓને જાહેર વિનંતી કરાઈ છે. વિશેષ માહિતી માટે ભુમિકાબેન દુધાત્રા (મો. 96010 48402)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
મારા બાળકને આત્મનિર્ભર બનાવવાના વિચારે મને આ કાર્ય સૂચવ્યું :ભૂમિકા દુધાત્રા
વન્ડર સ્પોર્ટ એકેડેમીમાં દિવ્યાંગ બાળકોને આત્મ નિર્ભર બનાવવાના મુખ્ય સર્જક ભૂમિકાબેન દુધાત્રાએ જણાવ્યું હતું કે મારે મનો દિવ્યાંગ બાળક છે માતા તરીકે મેં નક્કી કર્યું કે મારા બાળકને આત્મ નિર્ભર બનાવવું છે, મારા બાળક જેવા અન્ય બાળકોને પણ જો માર્ગદર્શન મળે તો જીવનમાં બિચારાપણાના માહોલમાં ન જીવે, આ એક વિચારથી જ મને વન્ડર એકેડમી નો વિચાર આવ્યો અને તેનો અમલ શરૂ કર્યો આજે દિવ્યાંગ બાળકોના પરિવારનો ખૂબ જ સારો સહકાર છે. મારુ બાળક અત્યારે પૂર્ણ આત્મ નિર્ભર અને આત્મવિશ્વાસુ બન્યો છે. મારી મહેનતનું ફળ મને મળ્યું મને વિશ્વાસ છે કે એક દિવસ અમારી એકેડેમીનું બાળક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકશે.