જામકંડોરણા ખાતે નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત, હેલીપેડથી સભા સ્થળ સુધી લાલ જાજમ બિછાવાઈ : વડાપ્રધાનના આગમન વેળાએ મોદી…મોદી…નો નાદ ગુંજી ઉઠ્યો
જામકંડોરણામાં વડાપ્રધાન મોદીએ આજે લાખોની મેદનીને સંબોધી હતી. ગુજરાતના આંતરિયાળ એવા જામકંડોરણામાં પહેલીવાર કોઈ વડાપ્રધાન આવ્યા હોય તેવો આ પહેલો પ્રસંગ છે. લાખો લોકોની સભામાં તેમણે ગુજરાતની વિકાસગાથા વર્ણવતા કહ્યું હતું કે, ગુજરાત અને દેશની સરકારના વડા તરીકે કાર્યરત થયાને પોતાને 21 વર્ષ થયા છે અને તેની શરૂઆત રાજકોટથી થઈ છે. તેમણે કહ્યું હતું કે, કચ્છ-કાઠિયાવાડ અને રાજકોટની જનતાની ભાવનાઓ અને આકાંક્ષાઓને આદેશ માન્યા છે. એ આદેશોને પૂર્ણ કરવામાં પોતાની જાતને ખપાવી છે.
તેમણે કહ્યું હતું કે, રાજકોટ ગુજરાતના ચમકતા સિતારાની જેમ છે. 20-25 વર્ષ પહેલાં કોઈને કલ્પના પણ નહોતી પણ આજે રાજકોટ ઓટોમોબાઇલ હબ બન્યું છે. આજે જમાનો આઈટીનો છે ત્યારે આ ક્ષેત્રમાં 800થી વધુ નવા યુનિટ ઊભા કર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. જ્યારે હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ રાજકોટને દુનિયા સાથે જોડશે. એ દિવસો દૂર નથી જ્યારે રાજકોટના કારખાનેદારોને વિમાનના સ્પેર પાર્ટ્સ બનાવવાના ઓર્ડર મળશે.
જામકંડોરણા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હેલીપેડથી સભા સ્થળ સુધી લાલ જાજમ બિછાવી હતી. જેના પર ચાલતા ચાલતા નરેન્દ્રભાઈ મોદીએ સૌનું અભિવાદન ઝીલ્યું હતું. આ સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ તેમની સાથે રહ્યા હતા. રસ્તામાં જામકંડોરણા ક્ધયા છાત્રાલયની વિદ્યાર્થિનીઓએ ગરબા રજૂ કર્યા હતા તો મહિલાઓએ તિરંગા લહેરાવીને તો ક્ધયા છાત્રાલયની 600 બાળાઓએ પરંપરાગત રીતે વડાપ્રધાનને ઉમળકાભેર આવકાર્યા હતા. સભા સ્થળે વડાપ્રધાનનું આગમન થતાં જ જંગી જનમેદનીએ ચિચિયારીઓ અને મોદી.. મોદી..ના નાદ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં લાખો લોકો ઉમટ્યા હતા. વડાપ્રધાનના આગમન પૂર્વે લોક કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી.
આ તકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, રમેશભાઈ ધડુક, વિનોદભાઈ ચાવડા, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, વાહનવ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી, યુવા ભાજપના અગ્રણી પ્રશાંત કોરાટ, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, કુંવરજીભાઈ બાવળીયા, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, ભાજપ અગ્રણીઓ રક્ષાબેન બોળીયા, મનસુખભાઈ ખાચરીયા, નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, મહેન્દ્રસિંહ સરવૈયા, લલિતભાઈ રાદડિયા, તમામ તાલુકા તથા જિલ્લા પંચાયતના પ્રમુખ, હોદ્દેદારો, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.