વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. લોકસભા ચૂંટણી અગાઉ અહીં તેઓ ઠાકુરનગરમાં રેલી કરીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી રહ્યાં છે. તેમની રેલીમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે ક્રાંતિવીરોની આ ધરતીને મારા નમન છે. ઠાકુરનગર સામાજિક આંદોલનનું સાક્ષી રહ્યું છે.

ત્યારબાદ તેઓ બપોરે દુર્ગાપુરમાં એક રેલીને સંબોધિત કરશે. અહીં તેઓ રેલવેના 294 કિલોમીટર લાંબા રેલખંડના વિદ્યુતિકરણના કાર્યને દેશને સમર્પિત કરશે. વડાપ્રધાન કાર્યાલયથી શુક્રવારે એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું. નિવેદનમાં કહેવાયું છે કે વડાપ્રધાન મોદી શનિવારે પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં 294 કિમી લાંબા અંડાલ-સેંથિયા-પાકુર-માલદા તથા ખાના-સેંથિયા રેલ સેક્શનનુ વિદ્યુતિકરણ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેમાં કહેવાયું છે કે આ ખંડના વિદ્યુતિકરણથી ઉત્તર અને પૂર્વ ભારતમાં કોલસા, પથ્થરના ચિપ્સ અને અન્ય પરિવહનમાં સરળતા થશે.

અત્રે જણાવવાનું કે આ અગાઉ ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ પ્રદેશમાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરતા 23 જાન્યુઆરીના રોજ માલદામાં રેલી કરી હતી.

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં 19 જાન્યુઆરીના રોજ વિપક્ષે પોતાની એકજૂથતા બતાવવા માટે મહાગઠબંધનની રેલી કરી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનરજીએ યોજેલી આ રેલીમાં 24 પાર્ટીઓના નેતાઓ સામેલ થયા હતાં. આ રેલીમાં સામેલ થવા માટે બિહારથી આરજેડીના નેતા તેજસ્વી યાદવ, ભાજપના બળવાખોર નેતા શત્રુઘ્ન સિન્હા, અરવિંદ કેજરીવાલ અને શરદ યાદવ કોલકાતા પહોંચ્યા હતાં. બધાએ ભેગા મળીને ભાજપ પર પ્રહારો કર્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.