પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી: ચાર્જશીટ પણ રજૂ કરી દેવાઈ
અબતક, રાજકોટ
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં પિરામિડ પાર્ટી પ્લોટ પાસે આવેલી 2 એકર 8 ગુંઠા જમીનનો વિવાદ હાલ સામે આવ્યો છે. જેમાં મંદબુદ્ધિના શખ્સ પાસેથી સાટાખત ભરાવી જમીનનો દસ્તાવેજ કરાવી લેવામાં આવ્યો હતો. જેમાં ફરિયાદીએ હવે પોલીસની કામગીરી પર આક્ષેપ કર્યા છે. ફરિયાદીએ પોલીસની કાર્યવાહીને શંકાના દાયરામાં મૂકી દીધી છે. જો કે, મામલામાં પોલીસે ફરિયાદ નોંધાતાની સાથે જ કાર્યવાહી કરીને આરોપીની અટક કરી ચાર્જશીટ પણ રજૂ કરી દીધી હતી. જે બાદ સમગ્ર મામલો કોર્ટ હવાલે થઈ ગયો હતો. પોલીસે કાર્યવાહી કરી લીધા બાદ હવે ફરિયાદીનો આક્ષેપ છે કે, પોલીસે સમગ્ર મામલામાં તટસ્થ તપાસ કરી નહિ હોવાનો આક્ષેપ છે.
ફરિયાદીના જણાવ્યા અનુસાર એપ્રિલ, 2019માં જમીનના માલિક પરસોતમ રવજી સોરઠીયા, બાબુ રવજી સોરઠીયા, ધીરુ રવજી સોરઠીયાને ધ્યાને આવ્યું કે, તેમની 6 એકરની જમીન પૈકી 2 એકર 8 ગુંઠા જમીનના સાટાખત મનોજ મચ્છા ગમારાએ 30-02-3019ના રોજ ભરાવી લીધાનું ધ્યાને આવ્યું હતું. જે બાદ 23-07-2019ના રોજ આરોપીઓ દ્વારા માનસિક અસ્થિર પરસોત્તમ રવજી સોરઠીયાને સાથે રાખીને દસ્તાવેજ પણ કરાવી લેવામાં આવ્યો હતો. જેની જાણ 25-20-2019ન રોજ સોરઠીયા પરિવારને થઈ હતી. જે બાદ પરિવારજનોએ 13-11-2019ના રોજ આવેદનપત્ર સ્વરૂપે રાજકોટ તાલુકા પોલીસ અને પોલીસ કમિશ્નરને લેખિત રજુઆત કરાઈ હતી. જેના અનુસંધાને પોલીસે તપાસ કરીને 20-03-2020ના રોજ ફરિયાદ નોંધી પ્રવિણ પરમાર નામના શખ્સની ધરપકડ કરી હતી. ઉપરોક્ત જમીનનો દસ્તાવેજ પ્રવિણ પરમારના નામે થયેલ હોય તેની ધરપકડ કરી પોલીસે ચાર્જશીટ પણ રજૂ કરી દીધી હતી.
ફરિયાદીએ કહ્યું છે કે, આ દરમિયાન તેમને અવાર નવાર પોલીસ કમિશ્નર કચેરી ખાતે બોલાવવામાં આવતા હતા. જ્યાં કચેરીના પ્રથમ માળે ડીસીપી ચેમ્બરમાં બેસાડીને પૂછપરછ કરવામાં આવતી હતી તેમજ ’તમે જમીનના ભાગીદારને ભાગ આપ્યો નથી’ તેવું જણાવવામાં આવતું હતું. ત્યારે ફરિયાદીએ કથિતરૂપે ડિસીપીને તેમના દ્વારા કરાયેલી ફરિયાદ અનુસંધાને પૂછપરછ કરતા ’તમારી મેટરની મને ખ્યાલ ન હોય, તમારે તાલુકામાં પૂછવાનું હોય’ તેવો જવાબ અપાયો હતો. ત્યારે ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે, જો અમારી ફરિયાદની તપાસ પોલીસે કરવાની હોય છે તો સામાપક્ષ દ્વારા કરાયેલી અરજીનો ડીસીપી દ્વારા તપાસ શા માટે કરાઈ રહ્યો છે.
ત્યારે મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે, સમગ્ર મામલામાં પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી દીધી છે તો હવે તેનાથી વિશેષ પોલીસ શું પગલાં લઈ શકે? જો કે, હાલ શહેરમાં એક વાતાવરણ ઉભું થતાં અરજદારોને પોલીસ પાસે વધુ અપેક્ષાઓ ઉભી થઇ હોય તેવું લાગી રહ્યું છે.