પિતાએ ગામડેથી કોલ કરતા પુત્રએ રિસીવ ન કર્યો: ઘરે જઈને જોતા લાશ મળી આવી, ફોરેન્સિક પીએમ
શહેરમાં રૈયાધાર વિસ્તારમાં આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા યુવકની પત્ની છેલ્લા પાંચ દિવસથી દશામાના વ્રત કરવા વતનમાં ગયા બાદ બંધ રૂમમાંથી યુવકની લાશ મળી આવતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ જસદણ તાલુકાના કાળાસર ગામના વતની અને હાલ રૈયાધાર આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા રજનીભાઈ બાવજીભાઈ વાઘેલા નામનો 32 વર્ષનો યુવાન પોતાના ઘરે બંધ રૂમમાંથી મૃત હાલતમાં મળી આવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ બનાવ અંગે જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મોતનું કારણ જાણવા યુવાનના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક રજનીભાઈ વાઘેલા બે ભાઈ ત્રણ બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં એક પુત્ર છે. રજનીભાઈ વાઘેલાની પત્ની કનુબેન છેલ્લા પાંચ દિવસથી કાળાસર ગામે દશામાના વ્રત કરવા ગઈ હતી. ઘરે એકલા રહેલા રજનીભાઈ વાઘેલાને તેના પિતા બાવજીભાઈ વાઘેલાએ ફોન કર્યો હતો પરંતુ રજની વાઘેલાએ ફોન રિસીવ નહીં કરતા બાવજીભાઈ વાઘેલા તેના ઘરે તપાસ કરવા આવ્યા હતા. ત્યારે પુત્ર રજની વાઘેલા બંધ રૂમમાં બેભાન હાલતમાં પડ્યો હતો. યુવાનનું મૃત્યુ બે દિવસ પહેલા નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી યુવકના મોતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.