ભારતીય યુવાનો રાષ્ટ્રીય વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને અઠવાડિયામાં તેઓએ 70 કલાક કામ કરવા માટે તૈયાર રહેવું જોઈએ, ઈન્ફોસિસના સ્થાપક અને નારાયણ મૂર્તિના આ નિવેદને હલચલ મચાવી દીધી છે. તેઓનું આ નિવેદન સાચું છે. કારણકે ભારતમાં મોટાભાગનો યુવા વર્ગ અત્યારે મોબાઈલમાં વ્યસ્ત જોવા મળે છે. જો કે નોકરી બાદનો સમય કોઈ સારા કાર્યમાં  વપરાતો હોય તો વાત બરાબર છે પણ મોબાઈલ મચેડવા કરતા તો આ સમય કામમાં જ જાય તે દેશ માટે ફાયદારૂપ છે.

જો કે મોટાભાગના કર્મચારીઓ એલબીડીએનની કળામાં માહેર હોય છે, ખાસ કરી સરકારી કર્મચારીઓ. એલબીડીએન એટલે વ્યસ્ત દેખાવું. હકીકતમાં જેટલું દેખાય છે એટલું કામ નથી હોતું, પણ વધુ કામ હોવાનો ડોળ ઉભો કરવો. એટલે આમ જોઈએ તો દેશમાં 70 કલાક કામ કરવાને બદલે માત્ર 35 કલાક પણ અઠવાડિયામાં કામ કરવામાં આવે, પણ આ કામ દિલથી અને મહેનતથી થવું જોઈએ. તો પણ તે ઘણું છે. બીજું કર્મચારીઓએ એ ધ્યાન રાખવું જરૂરી છે કે તે ભલે અઠવાડિયામાં 100 કલાક કામ કરે પણ તેમના સ્વાસ્થ્ય, ફિટનેસ, આહાર, વાંચન, મિત્રો અને કુટુંબીજનો સાથે અને અન્ય તમામ બાબતો કે જે એક પરિપૂર્ણ જીવન બનાવે છે તેમાં ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. કારણકે માત્ર કામ જ જીવન નથી. કામ કરીને કારકિર્દી અને પૈસા બન્ને કમાશો પણ સ્વાસ્થ્ય ઉપર જ જો ધ્યાન આપવામાં આવ્યું નહિ હોય, તો તંદુરસ્ત શરીર વગર બધું નકામું બની જશે.

હાલ ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. જો તમામ લોકોનું કામ અસરકારક બની રહે તો દેશને ટોચ ઉપર પહોંચવામાં કોઈ રોકી શકે તેમ નથી. જો કે બધો દોષનો ટોપલો સરકાર ઉપર પણ ઢોળવો જરૂરી નથી. રોજગારનું સર્જન આટલી વસ્તીમાં કરવું એ ખરેખર એક પડકાર તો છે જ. ત્યારે આવડતને આધારે નોકરી મેળવી તેતો યુવાનોના હાથમાં છે.

આપણે ત્યાં યુવાનો હજુ પણ માત્ર અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કર્યા કરે છે. જો યુવાનોને લાગે કે અભ્યાસમાં એવરેજ છે. તો તેને અભ્યાસની સાથે બીજા હુન્નર શીખી બીજા કામ શીખી તેમાં હાથ અજમાવી લેવા જોઈએ. કોમર્સ કે આર્ટ્સમાં ગ્રેજ્યુએટ કરેલા યુવાનોએ નોકરી શોધતા પહેલા પોતે કોઈ એકમ માટે શું કરી શકે છે ? તેના કયા કામમાં કેટલા ઉપયોગી થઈ શકે છે ? તેના ઉપર મનોમંથન કરવું જોઈએ. કારણકે જ્યારે યુવાનો કંઈક કરી આપવા સક્ષમ હશે તો જ તેને રોજગારી મળશે ને.

રોજગારી ધરાવતો દરેક યુવાન અર્થતંત્રમાં પોતાનું યોગદાન આપે છે. એટલે કોઈ પણ કળા કે આવડતની લાયકાત વગર જો કોઈ યુવાન બેરોજગાર રહે છે તો તે અર્થતંત્ર ઉપર ભારણ બને છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.