પોલીસે ત્રણ જિલ્લામાં નાકાબંધી કરાવી અંતે યુવાન રાજકોટ હોસ્પિટલમાંથી મળી આવ્યા
પત્ની રિસામણે ચાલી જતાં માનસિક તણાવથી ઘેરાયેલા માંગરોળના મુસ્લિમ યુવાને મધરાતે પોલીસને ધંધે લગાડી હતી. ગુરુવારે રાત્રે બંધ કારને ધક્કો મારવાનું કહી ત્રણ શખ્સો ડેકીમાં નાંખી અપહરણ કરી ગયા હોવાનો મિત્રને ફોન કરી, જાનથી મારી નાંખશે તેવી દહેશત વ્યકત કરતાં પોલીસને ત્રણ જીલ્લામાં નાકાબંધી કરવાની ફરજ પડી હતી. આખરે યુવાન રાત્રે રાજકોટ હોસ્પિટલમાં પહોંચ્યા બાદ પુછપરછમાં સમગ્ર બનાવ ઉપજાવી કાઢયો હોવાનું સ્પષ્ટ થતા પોલીસ અને યુવાનના પરિજનોએ હાશકારો અનુભવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ:- ઈકબાલ ઢેકા નામના વ્યક્તિને ૧૧ વાગ્યે તેમના મિત્ર હનીફ અલારખા બમનો ફોન આવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે “માંગરોળ બાયપાસ પાસે એક કાર ઊભી હતી. આ બંધ કારને ત્રણ શખ્સોએ ધક્કો મારવાનું કહયું હતું. આ દરમ્યાન એક શખ્સે રૂમાલમાં કશુંક સુંઘાડીને મને કારની ડેકીમાં નાખી, અપહરણ કરી ગયા છે, મને જલ્દી બચાવો”. ત્યારબાદ આ અંગે ઈકબાલભાઈએ યુવાનના પરિવારજનોને જાણ કરતા સૌ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. હાલમાં રમજાન માસ ચાલતો હોય, મોડી રાત સુધી લોકોની ચહલ પહલને લીધે યુવાનના અપહરણની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી અને સોશ્યલ મીડીયામાં પણ મેસેજ વાયરલ થયા હતા.
બનાવની ગંભીરતા ધ્યાને લઈ સ્થાનિક પોલીસ તુરંત હરકતમાં આવી ગઈ હતી. એલ.સી.બી.ને પણ જાણ કરવામાં આવી હતી. તાબડતોબ જીલ્લા પોલીસ વડાની સુચનાથી જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ સીટી, રૂરલમાં વાહનચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. યુવાનના મોબાઈલનું લોકેશન ટ્રેસ કરતા તે જેતલસર હોવાનું જણાતા પી.એસ.આઈ. આર.એમ.ચૌહાણ, સુરેશભાઈ દાફડા, પ્રતાપસિંહ, સંજયસિંહ સહિતનો પોલીસ કાફલો ત્યાં જવા રવાના થયો હતો. ત્યારબાદ વિરપુર અને ગોંડલથી યુવકે પોતાના બનેવીને ફોન કરી પોતે ગાડીની ડેકીમાં હોવાનું કહી “ત્રણ લોકો છે, મને મારી નાંખે તેમ છે.” એમ જણાવ્યું હતું.
દરમ્યાન હનીફ ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ હોસ્પિટલે પહોંચ્યો હોવાનો ફોન આવતા પોલીસ ત્યાં દોડી ગઈ હતી. હનીફ હેમખેમ હોવાના સમાચાર મળતા કુટુંબીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. શંકાસ્પદ જણાતા કિસ્સામાં યુવાનની સારવાર બાદ પોલીસે પ્રાથમિક પુછપરછ કરતાં અપહરણનું નાટક જ હોવાનું ખુલ્યુ હતું.
કલતપુરની સીમમાં રહેતા અને ફાયબરના કારખાનામાં મજુરી કરતા ૩૩ વષઁના હનીફે જણાવ્યું હતું કે પત્ની કેટલાક સમયથી રિસામણે હોવાથી પોતે ટેન્શનમાં છે, માનસિક અસ્વસ્થ છે. પોતાનું અપહરણ થયું ન હતું. પરંતુ માંગરોળ બાયપાસથી તે બસમાં કેશોદ રેલ્વે સ્ટેશન આવ્યો હતો અને ત્યાંથી રાજકોટની ટ્રેનમાં બેસી ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ તેણે ઉપરોક્ત શહેરના રેલવે સ્ટેશન પરથી જ પોતાને જોખમ હોવાના ફોન કયાઁ હતા. આ ઉપરાંત તેના શરીર પર ઈજાના થયેલા નિશાન તેણે પોતે જ બ્લેડના છેકા માયાઁ હોવાનું પોલીસનું અનુમાન છે.