…તો મુસ્લિમ મહિલાઓ જન્નતનો એહસાસ કરશે: રેલવેમાં નોકરી કરતી રિઝવાના નામની મહિલાએ મુસ્લિમમાં બહુપત્નીત્ત્વને નાબુદ કરવા સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
ત્રિપલ તલાક બિલ બાદ બહુપત્નીત્ત્વ પ્રથા પર પણ પ્રતિબંધની મુસ્લિમ મહિલાઓએ માંગ કરી છે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, ત્રિપલ તલાક અંગેનું ધ મુસ્લિમ વિમેન બિલ લોકસભામાં પાસ થઈ ગયું. હવે રાજય સભામાં મંજૂરી માટે મુકાવાનું છે તે દરમિયાન મુસ્લિમ મહિલાઓએ માંગ કરી છે કે, મુસ્લિમ મર્દ એકથી વધુ પત્ની ન કરી શકે તે માટે પણ બિલ બનાવીને કાયદો ઘડવો જોઈએ જેથી બહુ પત્નીત્ત્વ પ્રથા (પોલીગામી સીસ્ટમ) બંધ થાય ધ મુસ્લિમ વીમેન (પ્રોટેકશન ઓફ રાઈટસ ઓન મેરેજ) બિલ-૨૦૧૭ તરીકે ઓળખાતો ખરડો લોકસભામાં બહુમતીથી પસાર થઈ ચૂકયો છે.
સાદી ભાષામાં ત્રિપલ તલાક વિરોધી કહી શકાય એવો આ ખરડો કાયદો બને તો તેમાં ત્રિપલ તલાકનો ભોગ બનનાર પત્નીને વળતરની જોગવાઈ અને આ રીતે તલાક આપનાર પુરુષને માટે ૩ વર્ષની જેલ સજાની વ્યવસ્થા છે. મુસ્લિમ મહિલાઓએ સરકારના આ પગલાને આવકાર્યું છે. તેમણે એક બીજાના મોઢા મીઠા કરાવ્યા હતા. હવે સાથોસાથ તેમને આશા છે કે સરકાર પોલીગામી પર પણ અંકુશ લાવે અથવા તેને સાવ જ નાબૂદ કરી છે.
રેલવેમાં નોકરી કરતી રિઝવાના નામની મહિલાએ મુસ્લિમમાં બહુપત્નીત્વને નાબૂદ કરવા સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે. તેણે કહ્યું કે, ત્રિપલ તલાક વિરોધી ખરડો એ આવકારદાયક છે. પરંતુ સાથો સાથ ‘લોઢુ ગરમ છે ત્યાં જ હથોડો મારી દેવો જોઈએ’ મતલબ કે પોલીગામીને પણ નાબૂદ કરી દેવાય તો મુસ્લિમ મહિલા માટે જન્નતનો અહેસાસ કરશે.