દોઢ વર્ષમાં ત્રીપલ તલાક નાબુદ કરવા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના વાઇસ પ્રેસિડન્ટની તૈયારી
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ત્રીપલ તલાકને નાબુદ કરવા તૈયાર થયું છે. હાલ આ મામલે વડી અદાલતમાં સુનાવણી ચાલુ છે. ત્યારે મુુસ્લિમ પર્સનલ લો બોર્ડના વાઇસ પ્રેસિડેન્ટ ડો.સઇદ સાદિકે ૧૮ મહિનામાં જ ત્રીપલ તલાકને ખતમ કરવાનું નિવેદન આપ્યું છે.
અલબત ડો.સાદિકે ત્રીપલ તલાક જેવા મુદ્દે સરકારના હસ્તક્ષેપ સામે વાંધો ઉઠાવ્યો છે. ત્રીપલ તલાક, નિકાહ હલાલા અને બહુપત્નીત્વ જેવી પ્રથાઓ મુસ્લિમ મહિલાઓના ગૌરવ અને ગરિમા સાથે સંકળાયેલો મુદ્દો છે તેવી રજુઆત કેન્દ્ર સરકાર દ્વારા સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી છે. રજુઆતમાં મુસ્લિમ મહિલાઓને આ હક્ક નહી આપવો તે બંધારણમાં આપેલા પાયાના હકો નહીં આપવા બરાબર હોવાનું કેન્દ્ર સરકારે કહ્યું છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની મહિલા વિંગના મુખ્ય આયોજક અસમા જાહેરાએ પણ ત્રીપલ તલાક ખત્મ કરી નાખવાની તરફેણ કરી છે.
સાદિકે કહ્યું છે કે જો સરકાર ગૌ હત્યારાઓ અને ગૌમાંસ ખાનારાઓ પર પ્રતિબંધ મુકવા ઇચ્છતી હોય તો મુસ્લિમોએ સરકારના આ નિર્ણયને વધાવી લેવો જોઇએ. રામ મંદિરના મુદ્દે તેમણે કહ્યું હતું કે, આ વિવાદમાં હવે અંત આવવો જોઇએ. હિન્દુઓ અને મુસ્લિમોએ એક બીજા સાથે સમાધાન કરી કોઇ નિર્ણય પર પહોંચવું જોઇએ. તેમણે મુસ્લિમ સમાજમાં રહેલી ગરીબી પાછળ મુસ્લિમ નેતાઓ જ જવાબદાર હોવાનું કહ્યું હતું. તેમણે ઉમેર્યુ હતું કે, કાશ્મીરના યુવાનોએ પોતાની આંખો ખોલી પાકિસ્તાનના ષડયંત્રને સમજવું જોઇએ.