કોર્પોરેશનના ૪૫માં સ્થાપનાદિનની જાજરમાન ઉજવણી કરવા તૈયારીઓનો ધમધમાટ
રાજકોટ મહાનગરપાલિકાનો આગામી સોમવારના ૪૫મો સ્થાપના દિન છે. આ અવસરે મહાપાલિકા દ્વારા બોલીવુડની ખ્યાતનામ ગાયિકા રીચા શર્માની મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાપના દિનની જાજરમાન ઉજવણી કરવા માટે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશિષભાઈ વાગડીયાએ જણાવ્યું હતું કે, દર વર્ષે ૧૯મી નવેમ્બર એટલે કે રાજકોટ મહાનગરપાલિકાના સ્થાપના દિન નિમિતે શહેરીજનો માટે મહાપાલિકા દ્વારા અલગ-અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે.
આગામી સોમવારે મહાપાલિકાનો ૪૫મો સ્થાપના દિન હોય રાજકોટવાસીઓ માટે બોલીવુડની ખ્યાતનામ ગાયિકા રીચા શર્માની મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. જાહેર જનતા માટે રેસકોર્સ ગ્રાઉન્ડ સ્થિત રમેશભાઈ પારેખ ઓપન એર થિયેટર ખાતે આ મ્યુઝીકલ નાઈટ યોજાશે જેમાં શહેરીજનોને ઉમટી પડવા પદાધિકારીઓ દ્વારા હાંકલ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તા.૧૯/૧૧/૧૯૭૩ના રોજ રાજકોટ શહેર નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં પાંતરીત થયું હતું. સુધરાઈથી મહાપાલિકા સુધીની સફરમાં રાજકોટે વિકાસના અનેક સીમાચિહનો હાંસલ કર્યા છે. હાલ વિશ્વમાં સૌથી વિકસતા ૧૦૦ શહેરોમાં રાજકોટનો ક્રમાંક ૨૩મો છે.
વાવડી અને કોઠારીયા ગામ રાજકોટ મહાનગરપાલિકામાં ભળ્યા બાદ શહેર ૧૦૪.૮૬ ચો.મી.માં પથરાઈ ચુકયું છે અને નીત નવા વિકાસના સીમાચિહનો હાંસલ કરી રહ્યું છે. મહાપાલિકાના ૪૫માં સ્થાપનાદિનની ઉજવણી કરવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.