ઐતિહાસિક વારસાની ધરોહર ધરાવતી નગરી જૂનાગઢ ભારતના ઇતિહાસને ઉજાગર કરે તેવું એક અનોખું નજરાણું

ઇતિહાસની અઢળક ઘટનાઓના સાક્ષી એવા મજેવડી દરવાજાનું આ સિક્કા મ્યુઝિયમ દેશ – વિદેશના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બનશે

ઐતિહાસિક વારસાની ધરોહર ધરાવતી નગરી જુનાગઢમાં ભારતના ઇતિહાસને ઉજાગર કરે એવું એક અનોખું નજરાણું શરુ થઇ  ચૂકયું છે. જૂનાગઢનાં ઐતિહાસિક મજેવડી દરવાજા ખાતે દેશ-વિદેશ સહિતના પ્રાચીન સિક્કાઓનાં મ્યુઝિયમનો શુભારંભ   મનપાના સહયોગથી કરવામાં આવ્યો છે. જે જૂનાગઢ સહિત સોરઠ વાસીઓ અને જૂનાગઢના પ્રવાસે આવતા દેશ – વિદેશના પ્રવાસીઓ માટે મુલાકાત માટેનુ નજરાણું બની રહેશે.

આ સંગ્રહાલયમાં અવનવા સિક્કાઓને  માહિતી સાથે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. અને તેનું વજન, મૂલ્ય, ચલણમાં મુકાયેલ વર્ષ અને કોના દ્વારા ચલણમાં મુકવામાં આવેલ છે તેની સંપૂર્ણ માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે. ઉપરાંત તેમાં ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ચલણી સિક્કાઓ, વિશેષ વ્યક્તિ જેવી કે જવાહરલાલ નહેરુ, ગાંધીજી ના સિક્કા તથા સમારોહના સન્માનમાં જારી કરાયેલ સ્મારક સિક્કાઓ, ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સમયના સિક્કાઓ, રાજ-રજવાડાઓના સિક્કાઓ જેવા કે જુનાગઢ, નવાનગર, કચ્છ, ગ્વાલિયર, ઇન્દોર, બરોડા, જોધપુર, મૈસુર, હૈદરાબાદ , વગેરે તે સાથે વિદેશી ચલણી સિક્કાઓ અહી મુકવામાં આવેલ છે.

સિક્કાઓના પ્રદર્શનમાં સિક્કાઓનો ઇતિહાસ, સિક્કા બનાવવાની ટંકશાળ તેમજ સિક્કાઓની અવનવી માહિતીઓ પણ અત્રે લખવામાં આવેલ છે. તે ઉપરાંત જાણવા મળ્યા મુજબ આશરે 650 સિક્કાઓ સાથેના આ સંગ્રહાલયને સમયની સાથે વિકસિત કરી  સિક્કાઓમાં વધારો પણ કરવામાં આવશે.અત્રે નોંધનીય છે કે, આ મજેવડી દરવાજો જુનાગઢ શહેરની બહારના કિલ્લાનો અતિ મહત્ત્વનો ભાગ છે. તેમજ આઝાદી બાદ આરઝી હકૂમત દ્વારા જુનાગઢ શહેરમાં આ જ દરવાજાથી ભવ્ય પ્રવેશ કરવામાં આવેલ હતો.

ત્યારે ઇતિહાસની અઢળક ઘટનાઓનો સાક્ષી એવા આ મજેવડી દરવાજાનુ જીર્ણોદ્ધાર કાર્ય રૂ. 1.40 કરોડના ખર્ચે વર્ષ 2017 માં સવાણી હેરીટેજ ક્ધઝર્વેશન પ્રા. લી. કંપની દ્વારા  પૂર્ણ કરવામાં આવેલ. ત્યારે આ ઐતિહાસિક દરવાજા ખાતે જુનાગઢ મહાનગરપાલિકાના સહયોગથી ભારતના મોટા ભાગની ઐતિહાસિક ઈમારતોનો જીર્ણોદ્ધાર કરી રહેલ કંપની સવાણી હેરીટેજ ક્ધઝર્વેશન પ્રા. લી. દ્વારા  આ સિક્કાઓનું સંગ્રહાલય ખુલ્લું મુકાયું છે, જેમાં જુનાગઢની મુદ્રા ઇકો સોસાયટી અને તેના સભ્યોનો ખુબ સહયોગ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.