શેરીના નાકે અડ્ડો જમાવીને બેસતા આવારા તત્વોને ટપારતા રેસ્ટોરન્ટમાં ઘુસી સંચાલકને છરીના ઘા ઝીંક્યા

શહેરના પેડક રોડ પર આડા રોડ પાસે શેરીના નાકે અડ્ડો જમાવીને બેસતા આવારાતત્વોને ગાળો બોલવા મામલે ટપારવા જતા રેસ્ટોરન્ટના સંચાલક પર છ જેટલા શખ્સોએ છરીથી ખૂની હુમલો કરતા યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ન્યુ શક્તિ સોસાયટી શેરી નંબર-4 આડો પેડક રોડ પર રહેતા અને દુર્ગા રેસ્ટોરન્ટ ચલાવતા હાર્દિકભાઈ લાભુભાઈ કુગશીયા(ઉ.વ 28) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જીણા વિઠ્ઠલભાઈ ગોહેલ, મગન વિઠ્ઠલભાઈ ગોહેલ, ધર્મેશ, ગૌરવ, હર્ષિલ અને શામજીના નામ આપ્યા છે. આ છ શખ્સોએ રેસ્ટોરન્ટ સંચાલક હાર્દિકભાઈ કુગસીયા પર છરી વડે ખૂની હુમલો કર્યાનું જણાવ્યું હતું.

આ અંગે ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલ રાત્રિના 11:15 વાગ્યા આસપાસ શેરીના નાકા પાસે જીણા અને મગનના છોકરાઓ અન્ય છોકરાઓને સાથે લઈ અહીં બેઠા હોય અને ગાળાગાળી કરતા હોય જેથી તેમને અહીં નહીં બેસવા અને ગાળો નહિ બોલવાનું કહી ઠપકો આપ્યો હતો.

ત્યાર બાદમાં હાર્દિકભાઈ પોતાના રેસ્ટોરન્ટ ચાલ્યા ગયા હતા. દરમિયાન 11:30 વાગ્યા આસપાસ જીણા ગોહેલ છરી લઈને તથા મગન ધોકો લઈને તેમજ અન્ય શખ્સો પણ ધોકા લઈને અહીં રેસ્ટોરન્ટ પર આવ્યા હતા અને હાર્દિકભાઈને કહ્યું હતું કે, મારા છોકરાઓને ગાળો કેમ દીધી તેમ કહી જીણાએ હાર્દિકભાઈ પર છરી વડે હુમલો કર્યો હતો અને તેમને છાતીના ડાબા ભાગે, માથાના ભાગે, જમણા હાથે અને બરડામાં છરીના ઘા ઝીકી દીધા હતા. અન્ય આરોપીઓએ ધોકા અને ઢીકાપાટુ વડે મારમાર્યો હતો.

તે દરમિયાન રેસ્ટોરન્ટમાં જમવા આવેલા બે ગ્રાહકોએ હાર્દિકભાઈને વધુ મારમાંથી બચાવ્યા હતા. બાદમાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે રેસ્ટોરન્ટ સંચાલકની ફરિયાદ પરથી બી.ડિવિઝન પોલીસે છ શખ્સો સામે હત્યાના પ્રયાસની કલમ આઇપીસીની કલમ 307 અને રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે. બનાવવાની વધુ તપાસ પી.આઈ આર.જી બારોટ ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.