ત્રણ શખ્સો ધોકા-પાઇપ વડે તૂટી પડ્યા

 

અબતક,રાજકોટ

માળિયા હાટીનામાં ગઈ કાલે જૂની અદાવતનો ખાર રાખી વકીલ પર ત્રણ શખ્શોએ  જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં વકીલને ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે સૌ પ્રથમ માળિયા સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો. બાદ વધુ સારવાર માટે જૂનાગઢ સીવીલ હોસ્પિટલે લઈ જવાયો હતો. પોલીસે ત્રણેય શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથધરી છે.

બનાવની મળતી માહિતી મુજબ ગઈકાલે બપોરના અરસામાં વકીલ પંકજભાઈ પ્રભુદાસભાઇ જોષી પોતાનાં ઘરેથી ઓફિસે જતા હતા.દરમ્યાન દર્શન જગદીશભાઈ (ખમણવાળા બાપુનો દીકરો), વિશાલ વિક્રમભાઈ ભરવાડ તથા અરમાન ઈશાભાઈ કોરડીયાં આ ત્રણેય શખ્સો દ્વારા લોખંડના પાઇપો અને પાવડાનાં હાથા વડે મારી નાખવાનાં ઈરાદે તેના પર તુટી પડ્યાં હતા. આ જીવલેણ હુમલામાં વકીલને માથામાં-પગમાં અને હાથમાં ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવ્યાં હતા.

જ્યાં તબીબે માથામાં તથાં હાથ-પગમાં 15 જેટલા ટાકા લઈ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે જૂનાગઢ સીવીલે ખસેડવામાં આવ્યાં હતા. બનાવની જાણ થતાં પીએસઆઈ એસ.આઈ. માંઘરા, હેડકોન્સ ભરતબાપુ સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચી ગયો હતો. અને પંકજભાઈની ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

અને પ્રાથમિક પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે,એડવોકેટનાં ભત્રીજા નીનેશભાઈએ આરોપી વિશાલ ભરવાડનાં મોટા ભાઈ મેહુલભાઈ ઉપર અગાઉ કેસ કર્યો હતો. જેમાં એડવોકેટ પંકજ જોષી સાક્ષી તરીકે હતા. જેના મન દુ:ખને કારણે હુમલો કરાયો જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.