- મૃતદેહની બાજુમાંથી જ કાતર મળી આવી : ક્રાઇમ બ્રાન્ચ સહિતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
RAjkot News : નવી કોર્ટ બિલ્ડીંગ પાછળના એક રહેણાંક મકાનમાંથી મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ડીસીપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાલ આ મામલામાં ક્રાઇમ બ્રાન્ચ સહીતની પોલીસે તપાસમાં ઝુકાવ્યું છે. સમગ્ર મામલામાં હાલ મૃતકનો પતિ શંકાના દાયરામાં હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે પતિની સઘન પૂછપરછ કરી હતી.
શહેરની ભાગોળે જામનગર રોડ પરના શિવસાગર પાર્કમાં રહેતી મહિલાની હત્યા કરાયેલી લાશ તેના ઘરમાંથી જ મળી આવી હતી. મહિલાને કાતરના ઘા ઝીંકી બેરહેમીથી રહેંસી નાખવામાં આવી હતી. પોલીસે મૃતકના પતિ સામે શંકાની સોય તાંકી તેની સઘન પૂછપરછ શરૂ કરી હતી.
જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડિંગ પાછળ આવેલા શિવસાગર પાર્કમાં રહેતા હેમાલીબેન અલ્પેશભાઇ વરૂ (ઉ.વ.27)ની લોહીથી લથબથ હાલતમાં લાશ તેના જ ઘરમાં પડી હોવાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. મહિલાની લાશની બાજુમાં જ હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કાતર પડી હતી.
પોલીસ ચોપડે નોંધાયેલી વિગત અનુસાર મૃતક હેમાલીબેન ટુર બુકીંગની ઓફિસમાં જયારે તેનો પતિ અલ્પેશ વરૂ મિસ્ત્રી કામ કરે છે. આ દંપતીને સંતાનમાં 2 વર્ષની પુત્રી છે. અલ્પેશના માતા તેમની સાથે રહેતા હતા પરંતુ કેશોદમાં મોટા બાનું મૃત્યુ થતાં બુધવારે વહેલી સવારે અલ્પેશની માતા કેશોદ જવા નીકળા હતા અને આ દંપતી તેમને બસ સ્ટેશન સુધી મૂકવા ગયું હતું. અલ્પેશ વરૂએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, રાત્રે આઠેક વાગ્યે પોતે પોતાની પુત્રી સાથે ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્ની હેમાલીની હત્યા કરાયેલી લાશ જોવા મળી હતી, તેમજ ઘરનો સામાન વેરવિખેર હતો. પોલીસને અલ્પેશની વાત શંકાસ્પદ લાગતા તેને ઉઠાવી લઇ તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.
હેમાલીબેનની લાશ નજીકથી લોહીના ડાઘ સાથેની કાતર પણ પોલીસે જપ્ત કરી છે. ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હતો. લૂંટના ઇરાદે કોઇ શખ્સ ઘરમાં ઘુસ્યો હોય અને પ્રતિકાર કરતાં હેમાલીને પતાવી દીધાનું પોલીસને લાગે તે માટે આવું ચિત્ર ઊભું કરવામાં આવ્યું હોય તેવી દૃઢ શંકા સેવાઇ રહી છે. જો લૂંટારુઓએ જ હત્યા કરી હોય તો હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કાતર તેઓ સ્થળ પર છોડતા ન જાય, બીજું ઘરમાંથી કોઇ વસ્તુની ચોરી કે લૂંટ થઇ હોય તેવું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું નહોતું.