જસદણ તાલુકામાં સતત બીજા દિવસે પણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં દેવપરા ગામમાં સેવાભાવી વૃદ્ધને ખાટલા સાથે બાંધી મોઢેટુપો આપી મોતને ઘાટ ઉતારતા ગામમાં ચકચાર મચી છે. તો સેવાભાવી વૃદ્ધની હત્યા પાછળનું કારણ જાણવા માટે ગ્રામ્ય એલસીબી સહિત જસદણ પોલીસ સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જસદણ પંથકમાં સતત બીજા દિવસે પણ એક જ મોડસ ઓપરન્ડીથી હત્યા થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

 દેવપરા ગામે સેવાભાવી વૃધ્ધને બાંધી મોતને ઘાટ ઉતાર્યા

સતત બીજા દિવસે પણ સરખી મોડસ ઓપરન્ડીથી ખૂન થતા પંથકમાં અરેરાટી: પોલીસ તપાસનો ધમધમાટ શરૂ

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણ તાલુકાના દેવપરા ગામે માવજીભાઇ વાસાણી (ઉં.વ.65)ની ગત રાત્રે અજાણ્યા શખ્સોએ હત્યા કરી ફરાર થઇ ગયા છે. સવારે માવજીભાઇનો મૃતદેહ તેમના મકાનની ઓસરીમાં રાખેલા ખાટલામાં નાડાથી બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. આથી પરિવારજનોએ જસદણ પોલીસને જાણ કરતા ગ્રામ્ય એલસીબી અને જસદણ પોલીસ મથકના પીઆઇ કે.જે.રાણા સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો.

પોલીસને માવજીભાઈ વાસાણીનો મૃતદેહ ખાટલા સાથે દોરડા બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. તો બીજી તરફ મૃતદેહને મોઢા પર ટૂંપો આપ્યો હોવાનું પણ સામે આવતા પોલીસે મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે ખસેડયો હતો.દેવપરા ગામમાં રહેતા માવજીભાઈ વાસાણી પોતાની વાડીએ એકલા રહેતા હતા અને દાઝેલા લોકોને મલમ લગાડી દેવાનું કામ કરતા હતા. માવજીભાઇની હત્યાથી નાના એવા ગામમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે. સેવાભાવી સ્વભાવ ધરાવતા માવજીભાઈનું ક્યાં કારણોસર હત્યા કરવામાં આવી તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.જસદણના વિરનગર ગામે સીમમાં એકલા રહેતા 70 વર્ષના વૃદ્ધની ખાટલે બાંધી તેના જ ભાગીયા દ્વારા હત્યા કરવામાં આવી હતી. તો આજે ફરી એકવાર જસદણ તાલુકામાં દેવપરા તાલુકામાં સતત બીજા દિવસે એજ રીતે ખાટલે બાંધી વધુ એક વૃદ્ધને મોતને ઘાટ ઉતારતા તાલુકામાં અરેરાટી મચી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.