બે મહિલા સહિત ચાર શખ્સોએ આંખમાં મરચુ છાંટી તલવાર અને છરીના ઘા ઝીંકી ઢીમઢાળી દીધું: પાંચ વર્ષથી ચાલતી અદાવતનો કરૂણ અંજામ
થોરાળા વિસ્તારમાં આવેલા રામનગરમાં પ્રેમ પ્રકરણના કારણે પાંચ વર્ષથી ચાલતી અદાવતના કારણે બે મહિલા સહિત ચાર શખ્સોએ આંખમાં મરચુ છાંટી તલવાર અને છરીથી હુમલો કરી કોળી યુવાનની હત્યા કર્યાનું પોલીસમાં નોંધાયું છે. હુમલા દરમિયાન અન્ય બે યુવાન ઘવાતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ થોરાળાના રામનગર શેરી નંબર ૨માં રહેતા અજય ઉર્ફે ભયકુ મનુભાઇ રાતોજા નામના ૨૪ વર્ષના કોળી યુવાન પોતાના મિત્ર અવેશ અયુબ ઓડીયા સાથે બાઇક પર જઇ રહ્યો હતો ત્યારે વિઠ્ઠલ રામજી રંગપરા, જગદીશ ઉર્ફે કાળુ રામજી રંગપરા, રંજન વિઠ્ઠલ રંગપરા અને રાધુ જગદીશ રંગપરાએ આંખમાં મરચુ છાંટી તલવાર અને છરીથી હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા અજય ઉર્ફે ભયકુનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અવેશ અયુબને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.વળતા હુમલામાં વિઠ્ઠલ રામજી રંગપરાના પેટમાં છરીના બે ઘા ઝીંકી દેવાયા હોવાથી સારવાર માટે દાખલ કરાયો છે.
અવેશ અયુબ ઓડીયાની બહેનનું પાંચેક વર્ષ પહેલાં વિઠ્ઠલ રંગપરાનો ભાઇ ગોરધન રંગપરા ભગાડી ગયો હોવાથી પાંચેક વર્ષથી અયુબ અને વિઠ્ઠલના પરિવાર વચ્ચે અદાવત ચાલતી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
અવેશ ઓડીયાની બહેનને ગોરધન રંગપરા ભગાડી ગયા બાદ બે વર્ષ ચોટીલા તાલુકાના જીંજુડા ગામે પરિવાર સાથે જતા રહ્યા હતા અને ત્રણેક વર્ષ પહેલાં બંને વચ્ચે સમાધાન થતાં ફરી રામનગરમાં રહેવા આવ્યા હતા.
બપોરે અવેશ ઓડીયા પોતાના મિત્ર અજય ઉર્ફે ભયકુ સાથે બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે બંને દંપત્તીએ આંખમાં મરચુ છાંટી તલવાર અને છરીથી હુમલો કરી અજય ઉર્ફે ભયકુની હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
જ્યારે વિઠ્ઠલ રામજી રંગપરા પોતાની પુત્રી અંજલી અને ભત્રીજી બંસી તેમજ ભત્રીજો જયદીપને થોરાળામાં આવેલી સ્વામીનારાયણ સ્કૂલેથી તેડીને ઘરે આવી રહ્યો હતો ત્યારે અવેશ ઓડીયા અને અજય ઉર્ફે ભયકુએ છરીથી હુમલો કર્યાના આક્ષેપ સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
મૃતક અજય ઉર્ફે ભયકુ ડ્રાઇવીંગનો વ્યવસાય કરતો હોવાનું અને બે બેનનો એકનો એક ભાઇ હોવાનું જાણવા મળે છે. રામનગરમાં સરા જાહેર કોળી યુવાનની હત્યા થતા થોરાળા પોલીસ મથકના પી.આઇ. એચ.એમ.ગડુ, પી.એસ.આઇ. આર.એમ.કોટવાલ, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઇ, કોન્સ્ટેલ વિજયભાઇ મકવાણા, વિજયભાઇ મહેતા, નિશાંતભાઇ અને મહેશભાઇ સહિતના સ્ટાફે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.