અમેઠીમાં સ્મૃતિ ઈરાનીનાં વિજયમાં સુરેન્દ્રસિંહની હતી મહત્વની ભૂમિકા
ચુંટણીનાં વેરઝેર વકર્યા !
દેશભરનાં ચુંટણીજંગમાં ભારે રસાકસી સર્જનાર એનડીએનાં ચુંટણીજંગમાં ભાજપનાં સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસનાં દિગ્ગજ રાહુલ ગાંધીને પરાજીત કરી જાયન્ટ કિલરનો ખિતાબ મેળવ્યા બાદ બીજા જ દિવસે તેમનાં એક વિશ્વાસુ ટેકેદાર નેતાની હત્યા કરવામાં આવી હતી. અમેઠીથી લડી રહેલા સાંસદ સ્મૃતિ ઈરાનીનાં ખાસ સહયોગી સુરેન્દ્રસિંહ માનવામાં આવતા હતા. તેમને સ્મૃતિની જીતમાં ખુબ જ મોટી ભૂમિકા નિભાવી હતી. ઘટનાની માહિતી મળતાં જ સ્મૃતિ ઈરાની દિલ્હીથી અમેઠી આવી પહોંચ્યા હતા જયાં તેઓએ મૃતકનાં પરિવારજનોની મુલાકાત લીધી હતી. સાથો સાથ સુરેન્દ્રસિંહની અર્થીને પણ કાંધ આપી હતી.
સ્મૃતિ ઈરાની સાથે યોગી આદિત્યનાથ સરકારનાં મંત્રી મોહસીન રજાક પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનાં દિકરાએ કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ શંકા વ્યકત કરી હતી. પોલીસને આ વિશે પારીવારીક દુશ્મની હોવાની પણ શંકા ઉભી થઈ છે ત્યારે ઉતરપ્રદેશનાં ડીજીપી ઓ.પી.સિંહે કહ્યું હતું કે, ૭ લોકોની ધરપકડ કરીને આ કેસ અંગે પુછપરછ કરવામાં આવી રહી છે. ઉતરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર્વ પ્રધાન સુરેન્દ્રકુમારની હત્યાની નોંધ લીધી હતી. તેમને ડીજીપીને ૧૨ કલાકમાં હત્યાનો ખુલાસો કરવાનો આદેશ આપ્યો હતો.
સુત્રોનાં જણાવ્યા અનુસાર શનિવાર રાત્રે સુરેન્દ્ર તેમનાં ઘરની બહાર ઉંઘી રહ્યા હતા ત્યારે તેમનાં ઉપર ઉપરા-ઉપરી ગોળીબાર કરવામાં આવ્યો હતો. ફાયરીંગ કર્યા પછી હુમલાખોરો ઘટના સ્થળેથી નાસી છુટયા હતા ત્યારબાદ સુરેન્દ્રનાં પરિવારજનોએ ઈજાગ્રસ્ત થયેલા સુરેન્દ્રને હોસ્પિટલ લઈ જવામાં પણ આવ્યા હતા પરંતુ તેમનું રસ્તામાં જ મોત નિપજયું હતું. આ તકે સ્મૃતિ ઈરાનીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, દુનિયાની કોઈપણ કોર્ટમાંથી મૃતકનાં આરોપીને ફાંસી દેવડાવવામાં આવશે ત્યારે એક વાત એ પણ સ્પષ્ટ થાય છે કે, ચુંટણીનાં વેરઝેર ચુંટણી પરિણામ બાદ વકર્યા છે.
બરોલીયા ગામ ગોવાનાં પૂર્વ મુખ્યમંત્રી મનોહર પરિકરે દતક લીધું હતું ત્યારે સ્મૃતિએ પ્રચાર-પ્રસાર દરમિયાન આ જ ગામમાં પગરખા વહેંચ્યા હતા. લોકસભા ચુંટણીમાં સુરેન્દ્રસિંહે સ્મૃતિ ઈરાનીનાં પ્રચાર-પ્રસારમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. સ્મૃતિ ઈરાની મોટાભાગે પ્રચાર-પ્રસાર અર્થે સુરેન્દ્રસિંહને સાથે રાખતા હતા. અમેઠીમાં સુરેન્દ્રસિંહનો પ્રભાવ ઘણાખરા ગામોમાં હતો જેનો સીધો ફાયદો સ્મૃતિને ચુંટણી દરમિયાન મળ્યો હતો ત્યારે આ ઘટના ઘટીત થતાં હજુ સુધી કોઈપણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી અને આ ઘટનાથી વિસ્તારમાં તણાવનો માહોલ ફેલાઈ ગયો છે અને ઘટનાસ્થળે ખુબ જ મોટી માત્રામાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે.