નવ શખ્સોએ તલવાર, છરી અને ધોકાથી બે યુવકને માર માર્યો; એક મકાનમાં તોડફોડ કરી આતંક મચાવ્યો
ભાવનગરના ખેડુતવાસના નાકે બે જુથ્થ વચ્ચે ચાલતી અદાવતના કારણે એક જુથ્થના નવ જેટલા શખ્સોએ તલવાર, છરી અને ધોકાથી હુમલો કરતા ઘટના સ્થળે ઉપસ્થિત નવાણીયા યુવકની હત્યા થઇ છે. અન્ય બે યુવાન ઘવાયા હતા. રોષે ભરાયેલા ટોળાએ એક મકાનના દરવાજામાં તોડફોડ કરી આતંક મચાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જીતો ઉર્ફે લાંબો કાંતી રાઠોડ, રવિ ઉર્ફે મીંદડી, રાજેશ ઉર્ફે ચંકી, વીકી ઉર્ફે બેવડો રાજેશે ઉર્ફે દડી, મંકી ઉર્ફે દડી જીલુ રાઠોડ, પ્રકાશ રમેશ બારૈયા, ગોપો અને કણો નામના શખ્સોએ કરચલીયાપરાના કિશોરભાઇ બચુભાઇ મકવાણા નામના યુવકની હત્યા કર્યાની શારદાબેન પ્રવિણભાઇ વાજા નામની કોળી મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
શારદાબેન વાજાના પોપટ ધીરૂને અગાઉ રવિ મંકી સાથે માથાકૂંટ થઇ હોવાથી તેની હત્યા કરવા માટે ટોળાએ એક સંપ કરી ઘાતક હથિયાર સાથે ખેડુતવાસમાં ઘસી આવ્યા હતા
તે દરમિયાન ત્યાં ઉપસ્થિત કિશોરભાઇ બચુભાઇ મકવાણાના પેટમાં છરીના ઘા અને ધોકા મારતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રોષે ભરાયેલા ટોળુ મોહિતના માથામાં પાઇપ અને ધોકા મારતા ગંભીર રીતે ઘવાતા તે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો.
ઘાતક હથિયાર સાથે ટોળુ ધીરૂ બાબુભાઇ બાંભણીયાના ઘરે ઘસી જઇ બાથરૂમના દરવાજામાં તોડફોડ કરી હતી અને સુનિલભાઇના બાઇકમાં તોડફોડ કરી પોપટ ધીરૂ શંકરના ડેલામાં છુપાયો હોવાનું કહી ત્યાં પહોચ્યું હતું. પરંતુ તે ત્યાં ન હોવાથી તમામ શખ્સો ભાગી ગયા હતા.
પોલીસે હત્યા અને હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.