માત્ર રૂપિયા 500 માટે બે વ્યક્તિને મોતને ઘાટ ઉતારવાની આરોપીની કબૂલાત ગળે નથી ઉતરતી
રહસ્યને આટા પાટા સર્જતી ઘટના વધુ ચકચારી બંને તે પૂર્વે જ ભીનું સંકેલવાના પ્રયાસો ?
ઘટના સમયે ફ્લેટનો દરવાજો ખુલ્લો રહેલો અને પૌત્રીની ગેરહાજરી તપાસનો વિષય: પ્રોફેશનલ કિલર દ્વારા જે રીતે બનાવને અંજામ આપે તે રીતે હત્યા થયાની આશંકા !!
અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં પારસમણી એપાર્ટમેન્ટમાં એક પખવાડીયા પૂર્વે વૃધ્ધ દંપતિની થયેલી રહસ્યમય હત્યાનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી બે શખ્સોની ધરપકડ કરી છે. પરંતુ બંને આરોપીએ રૂા.500 માટે બે હત્યા કર્યાની કબૂલાત ગળે ન ઉતરતા રહસ્ય વધુ ઘેરૂં બન્યું છે. બીજી તરફ રહસ્યમય ડબલ મર્ડર વધુ ચકચારી બંને તે પહેલા ભીનું સંકેલવાના પ્રયાસોની ચર્ચાએ ચકચાર જગાવી છે.
વધુ વિગત મુજબ ઘાટલોડીયા વિસ્તારના પારસમણી એપાર્ટમેન્ટમાં રહેતા 90 વર્ષીય દયાનંદ સુબ્બરાવ અને તેના પત્નિ 80 વર્ષીય વિજયા લક્ષ્મી પોતાની પૌત્રી સાથે રહે છે. જેઓનું દિવાળીના પર્વે પૂર્વે ગળુ કાપી હત્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડતા અમદાવાદ પોલીસ કમિશ્નરે ક્રાઇમ બ્રાન્ચની જુદી-જુદી ચાર ટીમોને ભેદ ઉકેલવા આદેશ કર્યા હતાં.
વૃધ્ધ દંપતિની લૂંટના ઇરાદે હત્યા થયાના અનુમાન સાથે પોલીસે વિવિધ દિશામાં તપાશ શરૂ કરી હતી. મૃતકના ફ્લેટમાંથી કોઇ મોટી મત્તાની ચોરી થઇ ન હતી. વૃધ્ધાના ગળામાં સોનાનો ચેન પણ હેમખેમ હોવાથી લૂંટનો ઇરાદો ન હોવાનું પોલીસે બીજા દિવસે જાહેર કરી હત્યા પાછળ અન્ય કોઇ કારણ હોવાનું જણાવ્યું હતું.
ડબલ મર્ડરનો ભેદ ઉકેલવા પોલીસ તંત્ર પર ભીંસ વધી રહી હતી.
તે દરમિયાન દૂરના સીસીટીવી ફૂટેજના આધારે 4 શકમંદોની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી પૂછપરછ કરતા જે પૈકીના ઝારખંડના મુકુટ અને ઇમન નામના શખ્સોએ પારસમણી એપાર્ટમેન્ટમાં વૃધ્ધ દંપતિની હત્યા કરી હોવાની કબૂલાત આપી રૂા.500ની ચોરી કર્યાનું જણાવ્યું હતું.
બેલડી હત્યાના ગુનામાં ઝડપાયેલા મુકુટ અને ઇમને વિજયાલક્ષ્મીએ પહેરેલા સોનાનો ચેન લૂંટ્યો નહીં માત્ર રૂા.500ની લૂંટ ચલાવી ભાગી ગયા બાદ લોહી વાળા કપડા બદલી ફ્લેટ નજીક પાનના ગલ્લે સીગારેટ પીધી હોવાની કબૂલાત પોલીસને ગળે ઉતરતી નથી. આમ છતા બંને આરોપીની કબૂલાતના આધારે હત્યાનો ભેદ ઉકેલાયાનો જાહેર કરી સમગ્ર ઘટના પર પડદો પાડ્યાનો પ્રયાસ થઇ રહ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે.
અમદાવાદના જુદા-જુદા પાંચ વિસ્તારોમાં સિનિયર સિટીઝનની થયેલી ભેદી હત્યાને પગલે પોલીસતંત્ર પર ડબલ મર્ડરનો ભેદ ઉકેલવા વધેલી ભીંસને પગલે આ બંને શખ્સોની કબૂલાત મને ક મને સ્વીકારી ભેદ ઉકેલ્યોનું જાહેર કરી દીધું છે ત્યારે ફ્લેટનો દરવાજો કેમ ખૂલ્લો હતો અને હત્યાની ઘટના સમયે જ પૌત્રીની ગેરહાજરી અંગે પોલીસે તપાશ ટાળી છે.
હત્યાના ગુનામાં મુકુટ ગોમય હપદડા અને ઇમન જોસેફ તોપનો નામના 20 વર્ષીય યુવાનોએ હત્યા કર્યાનો ગુનો કબૂલ કર્યો છે. પરંતુ હત્યાની ઘટનાને જે રીતે અંજામ અપાયો છે. તેની પાછળ પ્રોફેશનલ કિલર હોવાનું જણાય રહ્યું છે તેમ છતા આ દિશામાં તપાશ શા માટે કરવામાં આવી નહીં તે અંગે પણ સવાલો થઇ રહ્યાં છે.