એબીપી ન્યૂઝ ઉત્તરપ્રદેશની રિજનલ ચેનલ એબીપી ગંગાના પત્રકારનો રવિવારે મૃતદેહ મળી આવ્યો છે. ગત તારીખ ૯ જૂનના રોજ પત્રકારે દારૂ માફિયાનો પર્દાફાશ કરતી સ્ટોરી કરી હતી. જે બાદ દારૂ માફિયાઓ દ્વારા અવાર નવાર પત્રકારને જાનથી મારી નાખવાની ધમકીઓ અપાઈ રહી હતી. દરમિયાન પત્રકારે પ્રયાગરાજના એડિશનલ ડાયરેકટર જનરલ ઓફ પોલીસને પત્ર લખીને સુરક્ષાની માંગણી પણ કરી હતી.
પોલીસે પ્રથમ મામલાને અકસ્માતમાં ખપાવવાનો કર્યો પ્રયાસ: અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધાયો
એબીપી ગંગા ન્યૂઝના પત્રકાર સુલભ શ્રીવાસ્તવ (ઉ.વ.૪૨)નો મૃતદેહ રવિવારે રાતે મળી આવ્યો હતો. સુલભ શ્રીવાસ્તવે ૯મી જુનના રોજ પ્રયાગરાજના દારૂ માફિયાના પર્દાફાશનો અહેવાલ રજૂ કર્યો હતો. જે બાદ અવાર નવાર પત્રકાર સુલભ શ્રીવાસ્તવને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી હતી. જેના પગલે તેણે એડિશનલ ડાયરેકટર જનરલ ઓફ પોલીસને લેખિત રજુઆત કરતાં સુરક્ષાની માંગણી કરી હતી. આ રજુઆત ૧૨મી જુન શનિવારના રોજ કરવામાં આવી હતી અને ૧૩મી જૂન રવિવારના રોજ સુલભ શ્રીવાસ્તવની લાશ મળી આવતા હત્યાની શંકા ઉપજી આવી છે.
પ્રાથમિક ધોરણે પોલીસે પત્રકારના મોતને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે વિપક્ષ દ્વારા મામલામાં સચોટ તપાસની માંગ કરવામાં આવી હતી. જે બાદ એડીજીપી પ્રેમ પ્રકાશ દ્વારા સતાવાર જણાવાયું હતું કે, હાલ મામલામાં હત્યા અને ધમકી સહિતના મુદ્દે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.