મહિના પહેલાં જ પરણેલી યુવતિના પિતા ઘરમાં લોહીના ડાઘ જોઈ જતા હત્યાનો ભેદ ખુલ્યો
અંજાર તાલુકાના મથડા ગામે પત્ની ગમતી ન હોવાથી તેનું માથું પછાડી, ગળો દબાવી પતિએ હત્યા કરી નાખી હતી. પરિણીતાના પિતાને તમારી પુત્રી ભાગી ગઈ છે તેવો બહાનો બતાવતા યુવતીના પિતા ઘરમાં લોહીના ડાઘ જોઈ ગયા હતા, જે બાદ હત્યાનો બનાવ ખુલતા સમગ્ર મથડા ગામમાં અરેરાટી ફેલાઈ હતી.
આ અંગે અંજાર પોલીસ મથકેથી સીતારામપુરા, ભચાઉમાં રહેતા 50 વર્ષીય જુમાભાઈ ઈલિયાસ આગરીયાની ફરીયાદને ટાંકીને મળતી વિગતો મુજબ ફરિયાદીની પુત્રી 21 વર્ષીય સલમાના લગ્ન અંજાર તાલુકાના મથડા ગામના અસગર જુસબ આગરીયા સાથે 4-5 મહિના પહેલા જ થયા હતા. જે બાદ સલમા તેની માતાને અવર-નવર તેના પતિને તે ગમતી ન હોવાનું જણાવતી હતી. પરંતુ થોડો સમય કાઢ બધું સરસ થઈ જશે તેવી ધરપત તેની માતા તને આપતી.
તા. 19/4ના ફરિયાદીની પુત્રીના સસરાએ ફોન કર્યો હતો અને તમારી પુત્રી સવારે 6 વાગ્યે મથડાથી ભચાઉ ભાગી ગઈ છે. તેવી વાત કરી હતી પરંતુ પુત્રી ઘરે ન પહોંચી હોવાથી પિતા અને પરિવારે પુત્રીની શોધખોળ કરી હતી. પરંતુ પુત્રી મળી ન હતી. જેથી ફરિયાદી પિતાએ અંજાર પોલીસ મથકે ગુમનોંધ નોંધાવી પરત મથડા પુત્રીના સસરાના ઘરે ગયા હતા. જ્યાં દીવાલ પર લોહીના ડાઘ દેખાતા જમાઈ અસગરને દબાવીને પૂછતા તેણે કબુલ્યું હતું કે તા. 19/4ના સવારે 4 વાગ્યે તેણે સલમાનું ગળું દબાવી, માથું દીવાલમાં પછાડી તેની હત્યા કરી નાખી છે. જે સંદર્ભે ફરિયાદી પિતાએ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ગુમનોંધ નોંધાવ્યા બાદ જ્યારે ફરિયાદી પિતા પોતાની પુત્રીના સાસરે ગયા ત્યારે પાછળથી પોલીસ પણ પહોંચી આવી હતી. જે બાદ લોહીના ડાઘ સંદર્ભે પૂછપરછમાં યુવાન તૂટી પડ્યો હતો અને સમગ્ર બનાવની હકીકત કહી હતી. જે બાદ યુવતીના મૃતદેહને કોથળામાં નાખી ખેડોઈ સીમની બાવળોની ઝાડીમાં ફેંકી દીધો હોવાનું જણાવતા પોલીસે પરિણીતાનો મૃતદેહ શોધી પી.એમ. માટે ખસેડાયો હતો અને આરોપીની અટક કરી હતી.