કોઠારિયા રોડ પર આવેલા રૂષિપ્રસાદ સોસાયટીમાં રહેતા ટ્રક ચાલક આહિર યુવાનની વાંકાનેર નજીક મહિકા પાસે રાજકોટના છ શખ્સોએ આંતરી છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દોઢ વષ4 પહેલાં થયેલી હત્યાનો બદલો લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે.
રાજકોટ આરટીઓમાં ટ્રકમાં રેડીયમ પટ્ટી લગાવવાના પ્રશ્ર્ને મુસ્લિમ યુવાનની હત્યાના ગુનામાં જામીન મુકત થયેલા રાહુલ રાજેશ ગોહેલ અને નિતિન માવજી ડાભીને વાંકાનેરના મહિકા ગામ પાસે ફારૂકી મસ્જીદ પાસે રહેતા એઝાજ ઉર્ફે અજુ હનિફ પાયક, રામનાથપરાના સોહિલ નુરમામદ કાબરા, નિઝામ નુરમામદ હોથી અને ત્રણ અજાણ્યા શખ્સોએ આંતરી રાહુલની હત્યા કર્યાની અને નિતીન ડાભી પર પાઇપથી હુમલો કર્યાની અંકુરભાઇ રાજેશભાઇ ગોહિલે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને આરટીઓમાં રેડીયમ પટ્ટી લગાવવાનો વ્યવસાય કરતા સાહિલ હનિફ પાયકનું દોઢેક વર્ષ પહેલાં આહિર યુવક સાથે ઝઘડો થતા તેનું મુકેશ ઉર્ફે કાનો ઉર્ફે કુલદીપ ખોડા સોલંકી, અમરિશ ઉર્ફે કનુ નારણ ગોહેલ, ધર્મેશ પ્રભાત ધ્રાંગા, રાહુલ રાજુ ગોહેલ, નિતિન માવજી ડાભી અને મનસુખ કેશવ ઢોલરીયાએ હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તમામની ખૂનના ગુનામાં ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.
સાહિલ પાયકની હત્યાના ગુનામાં જામીન પર છુટેલા રાહુલ ગોહેલ અને નિતિન ડાભી ગઇકાલે જી.જે.5બીયુ. 4570 નંબરના ટ્રકમાં વાંકાનેર તાલુકાના મહિકા ગામ પાસે મચ્છુ નદીમાં રેતી ભરવા માટે ગયા હોવાની સાહિલના ભાઇ એઝાજને જાણ થતાં તેને પોતાની ઇનોવા અને એક્ટિવામાં નિઝામ નુરમામદ હોથી, સોહિલ નુરમામદ કાબરા અને તેના ત્રણ સાગરીતો સાથે ટ્રકનો પીછો કરતા વાંકાનેરના મહિકા ગામે દરગાહ પાસે ઉભા રહી ગયા હતા.
રાહુલ ગોહેલ અને નિતિન ડાભી ટ્રકમાં રેતી ભરીને પરત નીકળ્યા ત્યારે એઝાજે પોતાની ઇનોવા રોડ પર આડી ઉભી રાખી દેતા રાહુલ ગોહેલે ટ્રક ઉભો રાખ્યો ત્યારે તેના પર અને નિતિન ડાભી પર હુમલો કરતા રાહુલ ગોહેલ ખેતરમાં ભાગ્યો હતો.
જ્યારે નિતિન ડાભી ટ્રકની પાછળ ભાગતા તેને પાઇપ માર્યા હતા અને તમામ શખ્સો રાહુલ ગોહેલનો પીછો કરતા ખેતરમાં પહોચી ગળા પર છરી મારી હત્યા કરી ઇનોવા અને એક્ટિવા પર ભાગી ગયા હતા. રાહુલ ગોહેલની હત્યા અને નિતિન ડાભી પર હુમલો થયાના બનાવની પોલીસમાં જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ અને મોરબી એલસીબી સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે અંકુર ગોહેલની ફરિયાદ પરથી એઝાજ પાયક સહિત છ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.