મૃતક બાળાના પિતાએ આરોપીની પુત્રીને ઘરમાં બેસાડવાનું કહેતા બાળાને મોત ઘાટ ઉતાર્યાની કબુલાત
ગોંડલ તાલુકાના બીલીયાળા ગામના પાટીયા પાસે આવેલ જીનીંગ મીલનાં પરપ્રાંતીય શ્રમિકની માસુમ બાળકી વર્ષા ગુમ થયા બાદ બોરમાંથી મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસે નાયબ જીલ્લા પોલીસ વડા શ્રુતિ મહેતાના સીધા માર્ગદર્શન હેઠળ મૃતદેહનો કબજો સંભાળી ફોરેન્સીક પોસ્ટ મોર્ટમમાં ખસેડી આ પ્રકરણે જીણવટભરી વિગતો તરફ તપાસ કેન્દ્રિત કરતા બાળકીની હત્યા નિપજાવ્યાનું બહાર આવતા પોલીસે હત્યામાં એક શખ્સની અટકાયત કરી વિશેષ તપાસ હાથ ધરેલ છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ નજીક આવેલા બીલીયાળા પાસે ભાલાળા કોટન જીનીંગ મીલની ઓરડીમાં રહેતા અને મુળ એમ.પી. ના લાલભાઈ ઈન્દ્રસિંહ ચૌહાણ નામના પરપ્રાંતિય શ્રમિક પરિવારની ત્રણ વર્ષની માસુમ પુત્રી વર્ષા ઉર્ફે નાની ગુમ થયાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બાદ જીનીંગ મીલમાં આવેલા બોરમાં ઈલેકટ્રીક મોટર ઉતારવા માટે બોરને ઢાંકેલા કોથળા હટાવતા બોરમાંથી દુર્ગંધ આવતા મૃતદેહ હોવાનું પોલીસને જાણ કરતા સ્ટાફ ઘટના સ્થળે ફાયર બ્રિગેડ સાથે દોડી જઈ જે.સી.બી.ની મદદથી ખાડો ખોદી બાળકીનો મૃતદેહ બહાર કાઢી ફોરેન્સીક પી.એમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે જીનીંગ મીલના સીસીટીવી અને મીલમાં રહેતા શ્રમિક પરીવારોની પુછપરછમાં શકમંદ માધવ પ્રતાપ ચૌહાણની આકરી પુછપરછ કરતા તપાસના અંતે ભાંગી પડયો હતો અને હત્યા કર્યાની કબુલાત આપતા તેની અટકાયત કરી હતી. માધવ ચૌહાણની પ્રાથમિક પુછપરછમાં લાલભાઈ ચૌહાણે પત્નીને માર મારી કાઢી મુકી હતી તે અંગે માધવે લાલાને ઠપકો આપતા લાલાએ કહેલ કે તારે શું લેવા-દેવા ? હું મારી પત્નીને કાઢી મુકું તેમાં તેમ કહી લાલાએ માધવને કહ્યું કે તારી પુત્રી લલીતાને હું ઘરમાં બેસાડીશ તેવું કહેતા તે અંગેનો માધવે ખાર રાખી લાલાની ત્રણ વર્ષની માસુમ પુત્રીને માથામાં માર મારી મોતને ઘાટ ઉતારી લાશને બોરમાં નાખી દઈ બોરને રેતી ભરેલા કોથળાથી ઢાંકી દીધાની કબુલાત આપી હતી.