રૂ.૨૦ હજારની ઉઘરાણી પ્રશ્ને એરપોર્ટ ફાટક પાસે બોલાવી ચાર શખ્સો છરીનાં આડેધડ ઘા ઝીંકી ફરાર
રાજકોટનાં એરપોર્ટ ફાટક પાસે અમદાવાદનાં યુવાનને રૂ.૨૦ હજારની ઉઘરાણી બાબતે ચાર શખ્સોએ બોલાવ્યા બાદ ઝઘડો કરી છરીનાં આડેધડ ચાર ઘા ઝીંકી દઈ ખુની હુમલો કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે.
બનાવ અંગેની વિગત મુજબ અમદાવાદનાં જુદાપુરા વિસ્તારમાં આવેલી હરીપાસી સોસાયટીમાં રહેતો અને મુળ પોરબંદરનો વતની અને કાર-લે-વેચનો ધંધો કરતો અંકિત અનુભાઈ વાઢા (ઉ.વ.૩૨) નામનો મુસ્લિમ યુવાન ગઈ તા.૬/૧૨નાં રોજ પોરબંદર કોર્ટમાં જાલી નોટ કેસની મુદત હોય જેથી અમદાવાદથી પોતાની ફાર લઈ પોરબંદર ગયો હતો. પોરબંદર બે દિવસ રોકાયા બાદ ગઈકાલે રાજકોટમાં કામકાજ હોવાથી તે રાજકોટ આવ્યો હતો ત્યારે તેનો જુનો મિત્ર તોફીક ઉર્ફે મુંરીદ નામના યુવાન પાસેથી અગાઉ તેણે રૂ.૨૦ હજાર હાથ ઉછીના લીધા હોય અને તોફિક ઉર્ફે મુંરીદ અવાર નવાર ફોન પર રૂપિયાની ઉઘરાણી કરતો હોય તે દરમ્યાન અકિલ વાઢા રાજકોટ આવ્યો હોવાની ખબર પડતા તેણે ફોન કરી અકિલને એરપોર્ટ રોડ પર ફાટક પાસે આવવા ફોન પર કહ્યું હતું ત્યારે તે કનૈયા ચોક પાસે હતો અને તેના મિત્ર જે નહેરૂનગરમાં રહે છે.
ઈનાયત બાબીનું એકટીવા લઈ અકિલ એરપોર્ટ ફાટક પાસે તોફિકને મળવા ગયો હતો. રાત્રીનાં ૧૧:૦૦ વાગ્યા હતા ત્યારે રીક્ષા લઈ આવેલો તોફિક ઉર્ફે મુંરીદ તથા તેની સાથેનાં બીજા અજાણ્યા માણસો એકટીવા પાસે રીક્ષા ઉભી રાખી હતી અને કંઈપણ બોલ્યા વગર તોફિક ઉર્ફે મુરીદએ તેના હાથમાં છરી હોય તેનો ઘા સાથળ, બીજો ઘા ડાબા હાથમાં અને ત્રીજો ઘા જમણા પડખામાં મારેલ તેની સાથેનાં અજાણ્યાએ સોડાની બોટલના ઘા મારી તથા ઢીકાપાટુનો મારમારી નાસી ગયા હતા.
બનાવનાં પગલે લોકોનાં ટોળા ભેગા થઈ જતા પોલીસને ફોન કરી જાણ કરાતા પોલીસની ગાડી આવી ગયેલી અને બાદમાં પોલીસની ગાડીમાં યુવાનને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવનાં પગલે પ્ર.નગર પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી જઈ યુવાનની ફરિયાદ લઈ તેનો મિત્ર તોફિક ઉર્ફે મુરીદ સહિતનાં શખ્સો સામે યુવાન પર ખુની હુમલો કર્યાની ફરિયાદ નોંધી શોધખોળ આદરી છે.