સિઝનનો ૨૫ ટકાથી પણ ઓછો વરસાદ નોંધાતા જગતનો તાત પરેશાન
ઉત્તર ગુજરાત, અમદાવાદ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ઓછો પડયો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા પાક નાશ પામ્યો છે. જેના કારણે ખેડૂતોને પ્રતિવિધા ૪૦૦૦ રૂપીયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. વાવણી થઈ હતી તેમાંથી ૪૦ ટકા વિસ્તારમાં પાકને નુક્શાન થયું છે.
ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ ૨૮ ટકા જ વરસાદ પડયો છે. ત્યારે ખેડુતોને ઉભો પાક નાશ પામવાનો ભય સતાવી રહ્યો છે. ખેડુતોએ જમીનમાં વાવણી કરવા માટે મજૂરી અને બિયારણ પાછળ પ્રતિ વિઘા ૫૦૦૦ રૂપીયાનો ખર્ચ કર્યો છે જેને કારણે જગતના તાતને પાક નિષ્ફળજવાનો ભય સતાવી રહ્યો છે.
આ અંગે પોતાની આપવીતી વણવતા પાટણ જિલ્લાનાં કૂલસેણા ગામના ખેડૂત મનોરજી ઠાકોરે કહ્યુંં કે જે ખેડુતોએ વહેલુ વાવેતર કર્યું હતુ હવે તેમને પાક નિષ્ફળ જવાનો ભય છે. ખેડુતો હવે બીજો કોઈ પાક પણ નથી લેવા માગતા કારણ કે જો હજુ વરસાદ ખેંચાશે તો નવો વાવેલો પાક પણ નિષ્ફળ જઈ શકે છે. પાટણમાં આ વર્ષે અત્યાર સુધીમાં સિઝનનો ૧૨૭ મીમી જ વરસાદ પડયો છે. અહીં સીઝનનો સરેરાશ ૬૦૦ મીમી જેટલો વરસાદ પડે છે.
તો બીજી તરફ સુરેન્દ્રનગરના ખેડુત ભગવાનભાઈએ કહ્યું કે જે ખેડુતોએ સમયસર એટલે કેજૂન મહિનાના મધ્યમાં વાવેતર કર્યું હતુ. તેમનો પાક પણ નિષ્ફળ ગયો છે. ખેડુતોના ખેતર અને પાકને હવે પાણીની જરૂર છે. જિલ્લાનો લગભગ ૫૦ ટકા પાક નાશ પામ્યો છે. અથવા નાશ પામવાની તૈયારીમાં છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં સરેરાશ મીમી જેટલો વરસાદ પડે છે. જેની સામે આ વર્ષે ૧૨૦ મીલીમીટર વરસાદ પડયો છે.
આ અંગે વધુ જણાવતા ખેડુત એસોસીએશનના લીડર સાગર રબારીએ કહ્યું કે સામાન્ય રીતે ખેડુતો પાક બચાવવા નર્મદાના પાણીનો વપરાશ કરે છે. આ વર્ષે નર્મદાનું પાણી મળ્યું નથી અને ખેડુતોએ વાવણી પણ થોડી મોડી કરી છે.વરસાદ ખેંચાતા ખેડુતોને નુકશાન થઈ રહ્યું છે. જો પાક નિષ્ફળ જાય તો નાના ખેડુતો જેમની પાસે ૩ વિઘા જેટલી જમીન છે તેમને ૧૫ હજાર રૂપીયાનું નુકશાન વેઠવું પડશે.
તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં આ વર્ષે ૧૧.૨૧ લાખ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ૨૦૧૭માં ૧૨.૨૭ લાખ હેકટરમાં વાવેતર કરાવ્યું હતુ મળેલી માહિતી પ્રમાણે કુલ ૧૧.૨૧ લાખના વાવેતરમાંથી ૪.૭૨ લાખ હેકટરમાં મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજયમાં અત્યાર સુધીમાં ૪૫૦ મિલીમીટર એટલે કે સરેરાશ વરસાદના ૫૪ ટકા વરસાદ થયો છે. સામાન્ય રીતે રાજયમાં વાર્ષિક સરેરાશ વરસાદનો આંકડો ૮૩૧ મિલીમીટર છે. સતાવાર આંકડા પ્રમાણે ઉત્તર ગુજરાતનાં ૫૧ તાલુકાઓમાંથી ૨૯ તાલુકાઓમા સિઝનનો સરેરાશ ૨૫ ટકાથી ઓછો વરસાદ નોંધાયો છે.