અન્ય તબીબના નામે દવાખાનું ચલાવી જન આરોગ્ય સાથે ચેડા કરનાર ઘોડા ડોકટર સામે એસઓજીની કડક કાર્યવાહી

જામનગર શહેર અને જિલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટયો છે. જેની સામે એસ.ઓ.જી શાખાની ટુકડી પણ લાલ આંખ કરી છે, અને એક એક બોગસ તબીબોને શોધી કાઢીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, જેના ભાગરૂપે મોડી સાંજે વધુ એક બોગસ તબીબને પકડી પાડયો છે.

એસ.ઓ.જી શાખાની ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરના ખોડિયાર કોલોની નજીક નીલકમલ સોસાયટી વિસ્તારમાં વાછરાડાડા ના મંદિર ની બાજુમાં રાણાભાઇ ગઢવી નામના એક વ્યક્તિનું મકાન આવેલું છે, જે મકાનને ભાડેથી રાખીને તેના ઉપર ડો. ભટ્ટી નું દવાખાનું  નામનું બનાવટી પાટીયું લગાવેલું છે, અને તેમાં એક બોગસ તબીબ પોતાની પાસે ડીગ્રી ન હોવા છતાં છેલ્લા દોઢ વર્ષથી દવાખાનું ચલાવીને દર્દીઓના જન આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો છે.

જે ચોક્કસ માહિતીના આધારે ગઈકાલે મોડી સાંજે એસ.ઓ.જી શાખાની ટુકડી એ દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ડો. ભટ્ટી ના દવાખાનામાંથી રજાક કરીમભાઈ રફાઈ નામનો શખ્સ દર્દીઓને દવા આપતા મળી આવ્યો હતો.

પોલીસની પૂછપરછમાં ઉપરોક્ત રજાક નામનો શખ્સ કે જે બેડેશ્વર હાઉસિંગ બોર્ડ ની ચાલી વિસ્તારમાં રહે છે, અને પોતે માત્ર ૧૨ ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે, પરંતુ કોઈપણ પ્રકારની ડિગ્રી મેળવ્યા વિના ડો. ભટ્ટી નું દવાખાનું નામ સાથે નું બોગસ પાટીયું લગાવીને દર્દીઓને સારવાર કરી રહ્યો છે, તેવી કબુલાત આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.