ખીજડીયા ગામે ફરી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરી તંત્રને ખૂલ્લો પડકાર ફેંકતા બોગસ ડોકટરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
પડધરીમાં પ્રાંત અધિકારીએ તાજેતરમાં મુન્નાભાઈ એમબીબીએસને પકડી પાડયો હતો. જોકે કાર્યવાહી થયાના બીજા દિવસથી જ આ બોગસ ડોકટરે ફરી ખીજડીયા ગામે દવાખાનું શરૂ કરીને ત્યાં દર્દીઓનાં આરોગ્ય સાથે ચેડા કરવાનું શરૂ કરી દીધું છે. આ ઘટન્ને એક જાગૃત નાગરીકે મોબાઈલના કેમેરામાં કેદ કરીને તેને સોશિયલ મીડિયામાં વહેતી કરી છે. અંતે પોલીસે તેની ધરપકડ કરી છે.
પડધરીના મેઈન રોડ ઉપર વેરાઈટી સીઝન સ્ટોર પાસે છેલ્લા ઘણા સમયથી બોડીઘોડીનું દવાખાનું ચલાવવામાં આવતું હતુ આ દવાખાનું કોઈ પણ જાતની ડીગ્રી વગર ચાલતુ હોવાની ફરિયાદ મળતા ગત તા.૧૭ના રોજ પ્રાંત અધિકારી ડો. ઓમપ્રકાશે દરોડો પાડીને ડીગ્રી વગર દવાખાનું ચલાવતા રમણીકભાઈ નામના શખ્સ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવા તાલુકા હેલ્થ ઓફીસરને સૂચના આપી હતી.
જોકે કાર્યવાહી થયા બાદ બીજા દિવસથી જ એટલે કે તા.૧૮ થી ખીજડીયા ગામે દવાખાનું શરૂ કરીને ત્યાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડા શરૂ કર્યા છે. એક જાગૃત નાગરીકે કુશળતાથી ત્યાં દવા લેવા જઈને સમગ્ર ઘટનાનો મોબાઈલ વડે વીડીયો ઉતાર્યો છે. અને આ વીડીયો સોશિયલ મીડીયામાં વહેતો કર્યો છે. હાલ આ વીડીયો વાઈરલ થતા તંત્રની આબરૂના લીરા ઉડી રહ્યા છે.