જામનગરના હેડ કોન્સ્ટેબલ રૂ.2500 લાંચ લેતા ACBની ઝપટે ચડ્યો
રાજયમાં ભ્રષ્ટાચારને કડક હાથે ડામી દેવા સરકાર કટ્ટીબધ્ધ છે. ત્યારે લાંચીયા અધીકારી અને ચુટાયેલા જન પ્રતીનીધીઓ પર તુટી પડવા લાંચ રુશ્વત વિરોધી શાખાનાં કાર્યવાહક વડાએ આપેલા આદેશને પગલે એક જ દીવસમાં ર ટ્રેપ કરવામાં આવી છે. જેમાં જામનગર ખાતે અરજીનાં કામે માર નહીં મારવા અને હેરાન નહીં કરવા હેડ કોન્સ્ટેબલ રુ. રપ00 ની લાંચ લેતા અને બગસરા તાલુકાનાં નાના મુંઝીયાસરનો સરપંચ ખરાબ બીયારણ ખેડુતને ધાબડી દેવાનાં મામલે વેપારી પાસેથી રુ. 3 લાખ રંગે હાથે એસસીબીનાં છટકામાં આબાદ ઝડપાય જતા લાંચીયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ સીંગદાણાનાં બિયારણનો વેપાર કરતા વેપારી પાસેથી થોડા સમય પહેલા અમરેલી જિલ્લાનાં બગસરા તાલુકાનાં નાના મુંજીયાસર ગામનાં ખેડુતોએ બિયારણ ખરીદ કરેલ હતુ. જે બિયારણ ખરાબ નીકળતા ખેડુતોને નુકસાન થયુ હતુ. જે અંગે ખેડુતોએ વાત કરતા ખરાબ બિયારણથી થયેલ નુકસાન પેટે વેપારીએ વળતર ચુકવી આપેલ હતુ. બાદમાં આ અંગેની જાણ નાના મુંજીયાસર ગામનાં સરપંચ મનસુખ બચુભાઈ ક્યાડાને થતાં તેમને બિયારણનાં વેપારીનો ટેલીફોનીક સંપર્ક કરી રૂ.5 લાખની લાંચની માંગણી કરી હતી. જેમાં રકઝકના અંતે રૂ.3 લાખ આપવાનું નક્કી થયા હતાં.
વેપારી લાંચ આપવા ન માંગતા હોવાથી એસીબીનો સંપર્ક કરી ઉપરોક્ત તમામ વિગતો જણાવી હતી. જેના આધારે જુનાગઢ એસીબીનાં મદદનીશ નિયામક બી.એલ.દેસાઈના સુપરવિઝન હેઠળ પીઆઈ પી.બી.ગઢવી તથા તેની ટીમએ છટકુ ગોઠવેલ હતુ. જેમાં નક્કી થયા મુજબ જુનાગઢમાં ભેંસાણ રોડ ઉપર મારૂતિ ઓઈલ મીલ પાસે વેપારી પાસે સરપંચ મનસુખભાઈએ રુ. 3 લાખની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા હતા. તેમજ સરપંચ તરીકેના હોદાનો દુરઉપયોગ કરનાર સરપંચને એસીબીની ટીમે ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એસીબીની કાર્યવાહીના પગલે લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ છે.
જામનગરમાં શહેરના સીટી એ ડીવીઝન પોલીસ દળના ફરજ બજાવતા અરજણ ડાંગર નામના હેડ કોન્સ્ટેબલે પાસેથી અરજીના કામ પેટે રૂપિયા 6 હજારની લાંચની માગણી કરી હતી. અરજીની તપાસ દરમિયાન હેરાન ન કરવા અને મારકૂટ ના કરવા માટે રૂ 6 હજારની લાંચનું નક્કી કરી જે તે સમયે રૂ 3500 સ્વીકાર્યા હતા ત્યારબાદ બાકી રહેતી રૂ.2500 ની રકમ બાબતે અવારનવાર ફરિયાદીને ફોન કરી માંગણી કરી હતી. જેને લઇને ફરિયાદી દ્વારા એસીબી નો સંપર્ક કરવામાં આવ્યો હતો.
લાંચની માંગણી અરજી મળતાં જ જામનગર એસીબીની ટીમે આજે ખંભાળિયા ચોકી નજીક જ ગોઠવી હેડ કોસ્ટેબલ અર્જુન ડાંગર ને રૂપિયા 2500ની લાંચ લેતા આબાદ પકડી પાડયો છે એસીબીની ટીમે આરોપીની ધરપકડ કરી ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે પોલીસ જવાન લાંચ લેતા પકડાઈ ગયો હોવાની વાતને લઇને પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.