મેલી વિદ્યા કરી મોતની ધમકી આપી’તી : રિમાન્ડ માટે આજે રજૂ કરાશે
વેપારીને ધંધામાં રોકાણ કરવાની લાલચ આપી રૂ.10.85 કરોડ પડાવ્યા બાદ પરત કરવાને બદલે મેલીવિદ્યા કરી મોતની ધમકી દેનાર બ્યુટીશિયન અને તેના બોયફ્રેન્ડની પોલીસે ધરપકડ કરી છે. અને આજે બંનેને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે.
શહેરના પંચવટી વિસ્તારમાં રહેતા કાપડના વેપારી મહેશભાઇ રણછોડભાઇ સખિયાને દીવાનપરામાં રહેતી બ્યુટીશિયન મુનીરા શબ્બીર પાનવાલા નામની યુવતી સાથે પરિચય થયો હતો. પરિચય બાદ બ્યુટીશિયન મુનીરા વેપારી મહેશભાઇના ઘરે અવારનવાર આવતી હોય પારિવારિક જેવા સંબંધો થતા મુનીરા તેના બ્યુટી પાર્લરના વિકાસ માટે અવારનવાર આર્થિક મદદ માગતી હતી.
આર્થિક મદદ કર્યા બાદ મુનીરા તે રકમ પરત પણ કરતી હતી. જેથી તેના પર વિશ્વાસ આવી ગયો હતો. દરમિયાન યુવતીએ બેકરીની એજન્સી માટે તેમજ તેમાં રોકાણ કરવાની વાત કરી હતી. મુનીરા પર વિશ્વાસ હોય તેની વાતમાં આવી વેપારીએ સગાં સંબંધીઓ, પત્ની પાસેથી રૂપિયા મેળવી કટકે કટકે કુલ રૂ.10,85,14,976 આપ્યા હતા.મુનીરાના કહેવાથી કરોડો રૂપિયાનું રોકાણ કર્યા બાદ રૂપિયા પરત નહિ આપતા મુનીરા પર શંકા ગઇ હતી. જેથી મુનીરાને બેકરીના ધંધામાં ભાગીદારી કરાર કરવા તેમજ પેઢીનું રજિસ્ટ્રેશન કરવાનું કહ્યું હતું.
આ સમયે મુનીરા ઉશ્કેરાઇ મેલીવિદ્યા જાણતી હોવાનું અને મોતની ધમકી આપી હતી.મુનીરાએ તેના બોયફ્રેન્ડ અને અન્ય એક શખ્સની મદદથી રોકાણના બહાને પોતાની પાસેથી મેળવેલા રૂપિયામાં વિલા અને જમીન ખરીદ કરી હોવાનું જાણવા મળતા મુનીરા, રૈયા રોડ પર આવેલી અલ્કાપુરી સોસાયટીમાં રહેતો બોયફ્રેન્ડ સોપારીનો વેપારી રિયાઝ રફિક વીંછી અને પ્રહલાદ પ્લોટના ધર્મેશ કિશોર બારભાયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.અને જેની ધરપકડ કરી આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.