મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેનનો આભાર માનતા કોર્પોરેશનના પદાધિકારીઓ
રાજ્યની અલગ અલગ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓને વિકાસ કામો માટે રાજ્ય સરકાર દ્વારા આગામી શુક્રવારે ૧૦૦૦ કરોડની ગ્રાન્ટના ચેક અર્પણ કરવામાં આવશે. શુક્રવારે બપોરે ૧ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી આ ચેક અર્પણ કાર્યક્રમ યોજવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, સ્ટે.કમીટી ના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી અને પક્ષના દંડક અજયભાઈ પરમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યની અલગ અલગ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂા.૧૦૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવવાનું મંજૂર કરવામાં આવ્યું છે. હાલ વૈશ્ર્વિક મહામારી કોરોનાના સંક્રમણને લઈ કોવિડની ગાઈડ લાઈન ધ્યાનમાં રાખી શુક્રવારે બપોરે ૧ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગ્રાન્ટના ચેક અર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ મહાપાલિકા ખાતે પણ યોજાશે જેમાં પદાધિકારીઓ, સંસદ સભ્ય અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. રાજકોટને કેટલા કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે તે હજુ સુધી નક્કી થયું નથી. આ તકે મેયર સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીનો આભાર વ્યકત કર્યો હતો.