Abtak Media Google News
  • કર્મચારીઓની લાંબા સમયથી ભરતી થઇ ન હોવાના કારણે ઓછા કર્મચારીઓ વચ્ચે વધુ કામ કરાતું હોવાનું અને મહેકમની ખાલી જગ્યાઓ તાકીદે ભરવા માંગ: રોજમદારોથી વહિવટ, મોટાભાગની નગરપાલિકાઓમાં કાયમી મહેકમ 70 ટકા ખાલી

સૌરાષ્ટ્ર-કચ્છની નગરપાલિકામાં વસ્તીનો સતત વધારો નોંધાઇ રહ્યો છે. સ્વચ્છતા અને નાગરિક સુવિધાઓના વ્યવસ્થા માટે કામગીરીનું ભારણ પણ વધતું જાય છે ત્યારે મોટાભાગની નગરપાલિકાઓમાં હંગામી ધોરણે કર્મચારીઓ પાસેથી કામગીરી લેવામાં આવે છે અને તેમાં પણ કર્મચારીઓના સેટઅપ મુજબના મહેકમમાં અનેક જગ્યાઓ ખાલી રહેતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. સૌરાષ્ટ્ર-કચ્છની નગરપાલિકાઓમાં હંગામી કર્મચારીઓના ભરોશે ચાલી રહી છે અને ધકેલ પંચા દોઢ સોની જેમ અધૂરા મહેકમથી કામગીરીનું ગાડું ગબડાવવામાં આવે છે. મોટાભાગની નગરપાલિકાઓમાં હંગામી કર્મચારીઓને ભરોશે વહિવટી રીતે ડચકા ખાતી હોય એવી વ્યાપક પરિસ્થિતિ ઉભી થઇ છે. નગરપાલિકાએ શહેર માટેની લોકોથી, લોકો વડે, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. નગરપાલિકાને એક ચોક્કસ હદ હોય છે. તેમાં રહેતા લોકો તે સ્થાનિક સંચાલનની હદ નીચે આવે છે. નગરપાલિકા દ્વારા મુખ્યત્વે શહેરના વિકાસથી માંડીને લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવાની કામગીરી કરવામાં આવે છે. બદલામાં નગરપાલિકા લોકો પાસેથી વિવિધ પ્રકારના વેરા વસૂલે છે. ત્યારે  સૌરાષ્ટ્રના મોટાભાગની નગરપાલિકાઓનો વિસ્તાર અને વસ્તી દિનપ્રતિદિન વધી રહ્યા હોવાથી નગરપાલિકા કચેરી પર કામનું ભારણ પણ એટલું જ વધી રહ્યું છે. બીજી બાજુ નગરપાલિકાઓમાં કાયમી કર્મચારીઓની લાંબા સમયથી ભરતી થઇ ન હોવાથી ઓછા કર્મચારીઓ વચ્ચે વધુ કામ કરાતું હોવાનું બહાર આવ્યું છે. હંગામી કર્મચારીઓના ભરોસે ગાડું ચલાવાઇ રહ્યું છે. જેને લીધે મોટાભાગની નગરપાલિકાઓમાં કામનું ભારણ પણ એટલું જ વધી રહ્યું છે. તેને લઇને ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે. હાલ રાજ્ય અને સૌરાષ્ટ્રની મોટાભાગની નગરપાલિકાઓ એવી છે કે ત્યાં 70 ટકાથી પણ વધુ જગ્યાઓ ખાલી છે અને અનેક નગરપાલિકાઓમાં એકપણ કાયમી કર્મચારી મહેકમનો નથી. ઉલ્લેખનીય છે કે મોટાભાગની નગરપાલિકામાં વર્ષોથી હંગામી રોજમદારો ફરજ બજાવી રહ્યા છે. આગામી સમયમાં લગભગ તમામ નગરપાલિકામાં 100 ટકા જગ્યાઓ કાયમી મહેકમની ખાલી થઇ જશે. જે રોજમદારો વર્ષોથી ફરજ બજાવે છે. તેમને ખાલી જગ્યા પર અગ્રતાના ધોરણે સમાવેશ કરવા માટે પણ માંગણી કરવામાં આવી છે. ક્યાંકને ક્યાંક સરકારના વિવિધ ભઠ્ઠા અને પગાર ધોરણના લાભથી નગરપાલિકાના કર્મચારીઓને વંચિત રાખવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે. સરકાર કાયમી કર્મચારીઓની ભરતી કરતી નથી. નગરમાં નાગરિકના જન્મથી મૃત્યુ સુધીની અને સરકારની વિવિધ સેવાઓ નગરપાલિકા અને પંચાયતોની જેમ સમાન હોવા છતાં ભેદભાવ રખાઇ રહ્યો છે. તબીબી, ઘરભાડાં, સ્થાનિક વળતર, જૂથ વિમા રક્ષણની રકમમાં વધારો આવા અનેક મુદ્ાઓ છે જે ઉકેલાઇ રહ્યા નથી. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લઘુત્તમ મહેકમ પણ ઓછું અપાઇ છે અને વારંવાર જગ્યાઓ માટેનો સમયગાળો પણ લંબાવો પડે છે. આવી સ્થિતિમાં કાયમી ભરતી કરાઇ રહી નથી. સરકારને વારંવાર રજૂઆતો છતાં પ્રશ્ર્નની અવગણના થઇ રહી છે ત્યારે હવે સરકાર આ મુદ્ે ક્યારે જાગશે અને નગરપાલિકાઓમાં કાયમી કર્મચારીઓની નિમણુંક ક્યારે થશે તે પણ એક મોટો પ્રશ્ર્ન અહિં સેવાઇ રહ્યો છે.

ગોંડલ પાલિકામાં કામના ભારણને પહોંચી વળવા ખાલી જગ્યાઓ ભરવા કારોબારી ચેરમેનની મુખ્યમંત્રીને રજૂઆત

ગોંડલ નગરપાલિકામાં કામનું ભારણ ખૂબ જ વધતું જાય છે. ત્યારે આ સંદર્ભે મુખ્યમંત્રીને કરેલી રજૂઆત બાદ કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજાએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે ગોંડલ પાલિકાનું કુલ સેટઅપ 414 કર્મચારીઓનું છે. જે પૈકી વર્ગ-3ની કુલ જગ્યાઓ 135ની છે. હાલમાં ભરેલી જગ્યા માત્રને માત્ર 28 છે અને ખાલી જગ્યાઓ કુલ 107 છે. વર્ગ-4માં કુલ જગ્યાઓ 277ની છે. જેમાં ભરેલી જગ્યા માત્રને માત્ર 92 છે. તેમજ ખાલી જગ્યાઓ 185ની છે. દિવસેને દિવસે ગોંડલ નગરપાલિકાની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. શહેરનો વિકાસ પણ ઝડપથી થઇ રહ્યો હોવાથી નવા-નવા ઔદ્યોગીક તેમજ રહેણાંક વિસ્તાર વિકસિત થયા છે. જેથી કર્મચારીઓને નગરપાલિકાની જરૂરિયાત હોવાથી હાલમાં પાલિકામાં કાયમી, પ્રોબેશન, ફિક્સ પગાર સાથે કર્મચારીઓની સંખ્યા હાલના વિસ્તાર પ્રમાણે ખૂબ ઓછી હોવાથી નગરપાલિકામાં કામના ભારણને પહોંચી વળવા તેમજ સુદ્રઢ રીતે સંચાલન કરવા માટે આ જગ્યાઓ તાકીદે ભરવી ખૂબ જ જરૂરી છે. આ માટે મેં મુખ્યમંત્રીને પણ લેખિતમાં રજૂઆત કરી છે.

ઊના નગરપાલિકામાં 2021 બાદ કાયમી કર્મીઓની ભરતી જ નથી થઇ !

ઊના નગરપાલિકાની વાત કરવામાં આવે તો છેલ્લે 2021માં સફાઇ કામદારોની કાયમી ભરતી કરવામાં આવી હતી. ત્યારબાદ એકપણ ભરતી ન થતાં હાલ ઘણી જગ્યાઓ ખાલીખમ્મ પડી છે. ઊના નગરપાલિકામાં હાલ 150 જેટલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઇઝ પર કામ કરી રહ્યા છે. એન્જીનીંયર, વાયરમેન, ક્લાર્ક, કોમ્પ્યૂટર ઓપરેટર સહિતની જગ્યાઓમાં કાયમી કર્મચારી ન હોય. તમામ અન્ય કર્મીઓ રોજમદાર તરીકે કામ કરી રહ્યા છે અને માત્ર 98 કર્મચારીઓ જ કાયમી છે.

દ્વારકા નગરપાલિકામાં 136ના મહેકમ સામે 89 જગ્યાઓ ખાલી !

દિવસે અને દિવસે પાલિકાઓનો વ્યાપ અને વિસ્તાર વધતો જાય છે ત્યારે નગરપાલિકાઓની સ્થિતિ અમૂક અંતે કફોડી બની રહી છે. કાયમી કર્મચારીઓના અભાવે સુદ્રઢ સંચાલન મુશ્કેલ બની રહ્યું છે ત્યારે દ્વારકા પાલિકાની વાત કરવામાં આવે તો દ્વારકામાં કુલ 136 કર્મચારીઓનું સેટઅપ છે. જો કે, છેલ્લા ત્રણ-ચાર વર્ષથી કોઇ જ ભરતી ન કરાતા હાલમાં 89 જગ્યાઓ ખાલી છે. જે હંગામી કર્મચારીઓથી ગાડું ચલાવવામાં આવી રહ્યું છે. ફક્ત 47 કર્મીઓ જ કાયમી હોય. હાલ આ જગ્યાઓ તાકીદે ભરવા માંગ કરવામાં આવી છે.

ધ્રોલ પાલિકામાં 28 જ કાયમી કર્મચારી !

ધ્રોલ નગરપાલિકાની વાત કરવામાં આવે તો મહેકમની 70 ટકાથી પણ વધુ જગ્યાઓ ખાલી છે. આ બાબતે ‘અબતક’ દ્વારા વિગત મેળવતા જાણવા મળ્યું છે કે ધ્રોલ નગરપાલિકામાં કુલ 91 કર્મીઓનું મંજૂર થયેલું મહેકમ છે. તેમાં વર્ગ-3માં કુલ 7 જગ્યાઓ જ્યારે વર્ગ-4માં કુલ 21 જગ્યાઓ ભરાયેલી છે. એટલે કે 28 જેટલા કાયમી કર્મચારીઓ નોકરી કરી રહ્યાં છે. જ્યારે 63 કર્મીઓ એવા છે કે હંગામી છે. તેનાથી હાલ પાલિકાનો વહિવટ ચાલી રહ્યો છે.

ભૂજ પાલિકામાં 338 કર્મી કોન્ટ્રાક્ટ બેઇઝ: 201 જગ્યાઓ ખાલી

ભૂજ નગરપાલિકામાં છેલ્લે વર્ષ-2022-2023માં ભરતી કરવામાં આવી હતી. 20 ટકા કાંપ બાદ મહેકમની સંખ્યા કુલ 228ની છે. જો કે, બીજી બાજુ હાલ કોન્ટ્રાક્ટ બેઇઝ પર 338 કર્મીઓ કામ કરી રહ્યા છે અને નગરપાલિકાની હાલમાં ખાલી જગ્યા 201 જેટલી છે. જો કે, સમગ્ર મામલે સત્તાધીશોનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ભરતી થાય તેવું લાગી રહ્યું છે.

ઉપલેટામાં 235 કર્મીના સેટઅપ સામે 178 જગ્યાઓમાં હંગામી કર્મચારી!

સૌરાષ્ટ્રની મોટાભાગની નગરપાલિકાઓનો વહિવટ હંગામી કર્મચારીઓથી ચલાવાઇ રહ્યો છે ત્યારે ‘અબતક’ દ્વારા ઉપલેટા નગરપાલિકાની વિગત મળતા ઉપલેટામાં છેલ્લા ઘણા વર્ષોથી કાયમી કર્મચારીઓની નિમણુંક ન થઇ હોવાનું બહાર આવ્યું છે. ઉપલેટા પાલિકાનું મંજૂર થયેલું સેટઅપ 235નું છે. જેમાં કુલ 57 જેટલા કર્મચારીઓ કાયમી છે. 178 જેટલી જગ્યાઓ ખાલી પડી છે. જેમાં રોજમદાર તરીકે 78 કર્મી જ્યારે કરાર આધારિત 79 કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

રાજુલામાં બે વર્ષથી ચીફ ઓફિસરની જગ્યા ખાલી !

નગરપાલિકાના વડા, નગરપાલિકાના પ્રમુખ હોય છે. પરંતુ વહિવટી જવાબદાર અધિકારી ચીફ ઓફિસર હોય છે. તેઓ રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. પરંતુ રાજુલા નગરપાલિકામાં છેલ્લા બે વર્ષથી ચીફ ઓફિસરની જગ્યા ખાલી છે. આ ઉપરાંત એકાઉન્ટ, એન્ટ્રી ઇન્સ્પેક્ટર, વાયરમેન અને એન્જીનીંયરની જગ્યા પણ ખાલી છે. 10 થી વધુ ક્લાર્કની જગ્યા તેમજ પાણી-પૂરવઠાના એન્જીનીંયર પણ કાયમી નથી. રાજુલા પાલિકામાં એકપણ પટ્ટાવાળા કાયમી ન હોય હંગામી પટ્ટાવાળાથી ગાડું ચલાવાઇ છે. રાજુલામાં કુલ સાત વોર્ડ છે. જેમાં એકપણ વોર્ડમાં સુપરવાઇઝર નથી. સેફ્ટી ફાયરમેન પણ ચાર જેટલા છે. તે પણ રોજમદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.