કચરો ઉપાડવાનો લાખોના ખર્ચ અપાયેલ કોન્ટ્રાકટ છતાં માંગરોળમાં ઠેર ઠેર ઉકરડા ગંદકીના ગંજ
માંગરોળમાં લોકોને માળખાગત સુવિધા પુરી પાડવામાં ન.પા. તંત્ર ઉણું ઉતરી રહ્યું છે. ગંદકી અને ઉકરડાના ઢગલાથી એક પણ વિસ્તાર બાકાત રહ્યો નથી. લાંબા સમયથી આ જ સ્થિતિ છે. પરંતુ આ સ્થિતિ માટે જવાબદારો સામે કોઈ કાર્યવાહી થતી નથી. શહેરમાં સફાઈની અવ્યવસ્થા પાછળ કોણ જવાબદાર છે અને કોનું હિત સમાયેલું છે તે અંગે લોકોમાં ખુલ્લેઆમ આક્ષેપો થઈ રહ્યા છે. શહેરમાંથી કચરો ઉપાડવા કોન્ટ્રાક્ટ અપાયો છે. પરંતુ લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ *એજન્સીના પોતાના વાહનો રિપેરિંગના વાંકે લાંબા સમયથી બંધ હાલતમાં છે. શરૂઆતથી નગરપાલિકાના વાહનોનો ઉપયોગ કર્યો છે.
આ ઉપરાંત ખરેખર બિલો બને છે તેટલા માણસો પણ કામ કરતા નથી. એજન્સી પાસે ખુબ જ મર્યાદિત સંખ્યામાં માણસો છે. જેનાથી શહેર આખાની સફાઈ કરવી શક્ય જ નથી. અંદરખાને ઘણાં ભોપાળાં ચાલી રહ્યા છે. જો તપાસ થાય તો કલ્પના બહારના ગોટાળા બહાર આવે તેવું ચર્ચાઈ રહ્યું છે. ન.પા. સાધનોનો ઉપયોગ કરી ન.પા.ને જ આર્થિક નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે.
કોન્ટ્રાકટરને સ્વભંડોળમાંથી નાણાં ચુકવાઈ છે તે પ્રમાણમાં સફાઈ જ ન થતી હોવાનું કહેવાય છે. પાણીના નાલાઓ તમામ બંધ હાલતમાં છે. વરસાદી પાણીમાં કચરો તણાઈને નાલાઓમાં જમા થયો છે. પરંતુ વરસાદ પહેલા કે પછી તેની સફાઈ જ કરવામાં આવી નથી. કોન્ટ્રાકટરના ગણ્યા ગાંઠ્યા માણસો જ કામગીરી કરી રહ્યા છે. ન.પા.ના કાયમી સફાઈ કામદારો કચરો ઉપાડવાની કામગીરીમાં જોતરાતા હોવાનું પણ જાણવા મળેલ છે.
કોન્ટ્રાક્ટ અપાયો તે સમયે થયેલી ટેન્ડર પ્રક્રિયા અંગે પણ અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં સફાઈ પ્રકરણમાં ચાલતી લાલીયાવાડીની કોઈ તપાસ થશે ખરી0 ? તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.