શહેરની ભાગોળે તંત્ર દ્વારા અર્બન ફોરેસ્ટના નિર્માણને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી વર્ષોમાં તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવનાર અર્બન ફોરેસ્ટ શહેરીજનોના આકર્ષણનું કેન્દ્ર બની જશે તેવી અપેક્ષા સેવવામાં આવે છે.
દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા અર્બન ફોરેસ્ટના નિર્માણની તૈયારીઓને લઇ આજરોજ મુલાકાત લેવામાં આવી હતી. પદાધિકારીઓએ સ્થળ પર જ જરૂરી વિગતો મેળવી કેટલાક સૂચનો આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અર્બન ફોરેસ્ટની સ્થળ મુલાકાત મહાનગરપાલિકાના પદાધિકારીઓએ લીધી હતી. બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, બાગ બગીચા અને ઝૂ કમિટી ચેરમેન વિજયાબેન વાછાણી વિગેરેએ કિશાન ગૌશાળા પાસે, આજી ડેમ વિસ્તાર નજીક આવેલ અર્બન ફોરેસ્ટની સ્થળ મુલાકાત લીધેલ હતી.
આ સ્થળ મુલાકાત દરમ્યાન પદાધિકારીઓએ આ પ્રોજેકટની જુદી જુદી કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ આ મુલાકાત દરમ્યાન ડે.કમિશનર એ.આર.સિંહ, સિટી એન્જીનીયર ઇચા. ઈસ્ટ ઝોન વાય. કે. ગોસ્વામી, ગાર્ડન ડાયરેક્ટર કે. ડી. હાપલીયા, એડી.સિટી એન્જીનીયર ભાવેશ જોષી હાજર રહેલ હતા. પદાધિકારીશ્રીઓ દ્વારા આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા રાજકોટ મહાનગરપાલિકાના સંબંધિત વિભાગના અધિકારીઓને જરી સુચના આપી હતી.