ગાંધીનગર ખાતે યોજાયેલા ચેક અર્પણ સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને મ્યુનિ.ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ મહાપાલિકાનાં પદાધિકારીઓ અને અધિકારીઓને ગ્રાન્ટનો ચેક અર્પણ કર્યો
ગુજરાતની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા અને શહેરી સતા મંડળનાં સર્વાંગી વિકાસ માટે આજે ગાંધીનગર ખાતે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રૂા.૨ હજાર કરોડની રકમનાં ચેક વિતરણનો અર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ અને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને વિકાસકામો માટે રૂા.૧૦૮.૪૧ કરોડ અને રૂડાને રૂા.૩ કરોડનો ચેક અર્પણ કર્યો હતો.
આ પ્રસંગે માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, રાજ્યના છેવાડાનાં લોકો સુધી વિવિધ વિકાસલક્ષી યોજનાઓનાં લાભો પહોંચે તેવા ઉદેશને વરેલી ભાજપની સરકાર તબક્કાવાર રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તા મંડળોને સર્વાંગી વિકાસ માટે વખતોવખત આવશ્યકતાની સમીક્ષા કરી આર્થીક સહાય આપતી રહે છે. જે, અનુસંધાને આજે રૂ.૨ હજાર કરોડ જેવી માતબર રકમનાં ચેક આપવામાં આવી રહ્યા છે. આ રકમની સહાયતાથી નાના ગામડાથી માંડીને મહાનગરમાં વિકાસ કાર્યોને વધુ વેગ પ્રાપ્ત થશે. આ પ્રસંગે, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવેલ કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વ હેઠળ રાજયની ભાજપ સરકાર સંવેદનશીલ, પારદર્શક અને નિર્ણાયક સરકાર છે તેની આમ જનતાને સતત પ્રતીતિ થતી રહે છે. વિવિધ ક્ષેત્રનાં વિકાસ કાર્યો થકી નાગરિકોના જીવનધોરણમાં ગુણાત્મક સુધારો લાવવા સરકાર કટીબદ્ધ છે. ગુજરાતનાં સર્વાંગી વિકાસ માટે આજે રૂ.૨ હજાર કરોડની રકમની ફાળવણી કરવામાં આવી રહી છે. રાજકોટ મહાપાલિકાવતી મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, શાસક પક્ષનાં નેતા દલસુખભાઈ જાગાણી, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, સ્ટેન્ડિંગ કમિટીનાં સભ્ય અનિલભાઈ રાઠોડ સહિતનાં પદાધિકારીઓ અને અધિકારીઓએ આ ચેક સ્વિકાર્યો હતો. રાજયની તમામ આઠેય મહાનગરપાલિકા, તમામ નગરપાલિકા અને શહેરી સતા મંડળને આજે રૂા.૨ હજાર કરોડની ગ્રાન્ટ વિકાસ કામો માટે ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ દ્વારા ફાળવવામાં આવી છે. રાજકોટ કોર્પોરેશનને રૂા.૧૦૮.૪૧ કરોડ જયારે રાજકોટ અર્બન ઓથોરીટી ડેવલોપમેન્ટને રૂા.૩ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.