આ વખતે કોંગ્રેસમાં પ્રથમ વખત શિક્ષિત ઉમેદવારો વધુ પાંચ વકિલ, એક ઇજનેરને 9 ઉમેદવાર છે સ્નાતક
જામનગર મહાપાલિકાની જંગ લડવા મેદાનમાં ભરેલા કોંગ્રેસના 62 ઉમેદવારોમાંથી 59 ઉમેદવારો શિક્ષિત હોવાનું જાહેર થયું છે. જેમાં પાંચ વકિલ તથા એક ઇજનેર હોવાનું જાણવા મળે છે. જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકોની 21મી એ યોજાનારી ચૂંટણી માટે કોંગ્રેસે અત્યાર સુધીની રેકર્ડબ્રેક સંખ્યામાં 62 માંથી 59 ઉમેદવારો શિક્ષિત પસંદ કર્યા છે. જ્યારે 3 ઉમેદવારના ભણતરની વિગતો જાહેર કરી નથી. આ ઉમેદવારોમાં પાંચ વકીલ, એક એન્જિનીયર, 9 સ્નાતક (ગ્રેજ્યુએટ), 1 અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએટ), 1 પીટીસી અને 3 ડિપ્લોમાં પાસ કરેલ ઉમેદવારનો સમાવેશ થાય છે.
મહાનગરપાલિકામાં 1995 થી ભાજપ સત્તા ભોગવે છે અને વિરોધપક્ષ તરીકે કોંગ્રેસ બેસતી આવી છે. ડિસેમ્બર 2015 માં યોજાયેલી 64 બેઠકોની ચૂંટણીમાં ભાજપના 38 અને કોંગ્રેસના 24 ઉમેદવારો વિજેતા થયા હતાં. જ્યારે જયેશ પટેલના સમર્થનવાળી સરદાર વલ્લભભાઇ પટેલ પાર્ટીના બે ઉમેદવારો જીત્યા હતાં. તે વખતે તેની સાથે કોંગ્રેસે સેટલમેન્ટ કરી વોર્ડ નંબર 7 અને 8 માં ઉમેદવાર ન હોય પાટીદાર અનામત આંદોલનનો લાભ લેવાની ગણત્રીએ આ નિર્ણય કર્યો હતો. જેમાં ભાજપને વોર્ડ નં.7 ની બે મહિલા બેઠક ગુમાવવી પડી હતી. આ ઉપરાંત આંદોલનના ફળ સ્વરૂપે વોર્ડ નં.15 અને 16 માં કોંગ્રેસની પેનલ જીતી હતી પરંતુ બહુમતી ઘણી છેટી રહી ગઇ હતી.
શરૂઆતની ચૂંટણીમાં કોંગ્રેસને બહુ ભણેલા ઉમેદવારો ઉભા રાખવામાં સફળતા મળતી ન હતી પરંતુ ધીમે-ધીમે કોંગ્રેસના ઉમેદવારોમાં શિક્ષિતોની સંખ્યા સતત વધવા લાગી હતી.આ વખતની ચૂંટણી માટે 64 માંથી 62 બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડે છે. બે બેઠકના ઉમેદવારોના ફોર્મ નાટકીય રીતે રદ્દ થયા હતાં. પરંતુ આશ્ર્ચર્યની અને એક સારી બાબત એ નોંધાઇ છે કે શિક્ષિત ઉમેદવારોની સંખ્યા આ વખતે ઐતિહાસિક (રેકર્ડ બ્રેક) જોવા મળી છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરનાર (ધોરણ 7 અને 8 સુધી) ઉમેદવારની સંખ્યા 13 છે. જ્યારે ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ કરનારા ઉમેદવારની સંખ્યા 25 નોંધાઇ છે. 9 ઉમેદવાર ગ્રેજ્યુએટ (સ્નાતક) છે. જ્યારે 1 ઉમેદવાર એસ.વાય.બી.કોમ. સુધી ભણેલા છે. 3 ઉમેદવારોએ ડિપ્લોમાં કર્યું છે. જ્યારે એક ઉમેદાવર એક.કોમ. (અનુસ્નાતક) થયેલ છે. આ ઉપરાંત પાંચ ઉમેદવારો વકહીલ છે અને 1 ઉમેદવાર ઇજનેરની ડિગ્રી ધરાવે છે. એક ઉમેદવાર પીટીસી પાસ છે.આમ કોંગ્રેસના કુલ 62 ઉમેદવારોંમાથી 59 ઉમેદવાર શિક્ષિત છે. જે એક નવો રેકોર્ડ છે.