- રણજીત સાગર રોડ પર મંજૂરી વિના ચાલતી બેઠક રેસ્ટોરન્ટ પર જામનગર મહાનગરપાલિકા ની ટીમે સિલ મારી દીધું
- જામનગરમાં જુદી જુદી ૧૫ થી વધુ હોટલ રેસ્ટોરન્ટમાં લાઇસન્સ નો અભાવ હોવાથી તમામ સામે સીલીંગની કાર્યવાહી થી દોડધામ
જામનગર ન્યૂઝ : રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટના પછી રાજ્ય સરકાર એલર્ટ બની છે અને તમામ ગેમ ઝોન, હોટલ રેસ્ટોરન્ટ સહિતના જાહેર સ્થળો પર ચકાસણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને જામનગર શહેરમાં પણ તમામ ગેમ ઝોન બંધ કરાવ્યા પછી હોટલ રેસ્ટોરન્ટ, હોસ્પિટલ વગેરેમાં ચકાસણી કરવામાં આવી રહી હતી. જે તપાસણી દરમિયાન ૧૫ જેટલી હોટલ રેસ્ટોરન્ટમાં જરૂરી લાયસન્સની પ્રક્રિયાનો અભાવ હોવાના કારણે આજથી મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ બન્યું છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી ની સૂચનાથી સીટી ઇજનેર ભાવેશ જાની ના માર્ગદર્શન હેઠળ શહેરના અલગ અલગ વિસ્તારમાંટે બનાવેલી આઠ ટુકડીઓ દ્વારાસર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને રણજીત સાગર રોડ પર આવેલી કેટલીક હોટલ રેસ્ટોરન્ટમાં ફાયર એનઓસી સહિતના કોઈપણ પ્રકારના મંજૂરીના દસ્તાવેજો જોવા મળ્યા ન હતા, અને કોઈ પણ પ્રકાર ની લાયસન્સ ની પ્રક્રિયા કર્યા વગર રેસ્ટોરન્ટ ચાલતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેનો રિપોર્ટ મ્યુનિ. કમિશનર પાસે કરાયા પછી આજે સવારથી તમામ સામે સીલીંગની પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો. જેના અનુસંધાને એસ્ટેટ વિભાગના અધિકારી સુનિલ ભાનુશાલી તથા અન્ય વિભાગની ટીમ રણજીત સાગર રોડ પર આવેલા બેઠક રેસ્ટોરન્ટમાં પહોંચી હતી. ત્યાં કોઈ પણ પ્રકારનું લાયસન્સ મેળવાયું ન હોવાનું ધ્યાનમાં આવતાં તાત્કાલિક અસરથી તે હોટલને સીલ કરી દેવામાં આવી હતી. તેથી તેમના સંચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી. રણજીતસાગર રોડ તેમજ શહેરના અન્ય વિસ્તારમાં આવેલી ૧૫ જેટલી હોટલ રેસ્ટોરન્ટ, કે જેમાં ફાયર એનઓસી સહિતના કોઈપણ પ્રકારના લાયસન્સ મેળવ્યા ન હોવાનું ધ્યાનમાં આવ્યું છે, અને તે તમામ સ્થળે સીલિંગ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
સાગર સંઘાણી