પનીર, ફરાળી ખાખરા, ચિકી સહિતના નમુના ફેઈલ જતા છ વેપારીઓને રૂા.૨.૧૭ લાખનો દંડ ફટકારાયો
રાજકોટ મહાનગરપાલીકાની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરનાં અલગ અલગ વિસ્તારોમાંથી ૧૨ સ્થળેથી લુઝ દુધ, મસાલા પાવડર અને હળદર પાવડરના નમુના લેવામાં આવ્યા હતા. અગાઉ લેવામાં આવેલા નમુના ફેઈલ જતા એજયુડિકેશન કેસ અન્વયે છ વેપારી પેઢી પાસેથી રૂા૨.૧૭ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
આજે આરોગ્ય શાખા દ્વારા પુસ્કરધામ મેઈન રોડ પર ખોડીયાર ડેરી ફાર્મ એન્ડ નમકીન, સાધુ વાસવાણી રોડ પર બંસીધર ડેરી ફાર્મ, દિગ્વીજયસિંહ રોડ પર આશાપુરા પેંડાવાલા, વાણીયાવાડી મેઈન રોડ પર ઓનેષ્ટ ડેરી, નંદા હોલ પાસે યોગેશ્ર્વર ડેરી, કોઠારીયા રોડ પર ગેલમાં ડેરી ફાર્મ મવડી રોડ પર રાધિકા દુગ્ધાલય, આનંદનગર રોડ પર દિનેશ ડેરી ફાર્મ, ગાયત્રીનગર મેઈનરોડ પર આઈશ્રી ખોડીયાર દુગ્ધાલય, તથા હસનવાડી મેઈનરોડ પર અમૃત ડેરી ફાર્મમાંથી મીકસ લુઝ દુધ, ગાયનું દુધ તથા ભેંસના દુધના જયારે વિદ્યાનગર મેઈનરોડ પર ગ્રામ શિલ્પ ખાદી ભંડારમાંથી લુઝ લાલ મરચા પાવડર તથા લુઝ હળદર પાવડરનાં નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
આ ઉપરાંત અગાઉ યાજ્ઞીક રોડ પર સુમુકા એગ્રો ઈન્ડસ્ટ્રીઝ લીમી.માંથી સીયા માસ રોસ પેટલ આલ્મન્ડ, ગોવિંદબાગ પાસે શ્રી રામ ડેરી ફાર્મમાંથી લુઝ પનીર, રૈયા સર્કલ પાસે કે.ડી. સેલ્સ કોર્પોરેશનમાંથી ફરાળી ખાખરા, ગોંડલ રોડ પર ડી માર્ટમાંથી નટ ટુ ફોર યુ અમેરિકન આલ્મન્ડ, એસ્ટ્રોન ચોકમાં શ્રી અખિલેશ કોલ્ડડીન્કમાંથી અખિલેશ બ્રાન્ડ ગોળશીંગની ચિકી, તથા સહકાર નગર મેઈન રોડ પર ભકિત હોલની બાજુમાં સંતોષ સિઝન સ્ટોરમાંથી લુઝ ગોળ દાળીયાની ચીકીના નમુના લેવાયા હતા જે પરિક્ષણમાં નાપાસ જાહેર થતા એજયુડીકેશન કેસ અન્વયે રૂા.૨.૧૭ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.