મહાનગરપાલિકાએ જનરલ બોર્ડની મંજૂરી વગર ગુલાબનગર શાકમાર્કેટની જગ્યા રૂ.1.46 કરોડમાં વેંચી મારતા ભારે ચકચાર જાગી છે. ભાજપ શાસિત મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીએ સામાન્ય સભામાં મંજૂરીની અપેક્ષા સાથે વેંચાણને લીલીઝંડી આપી દેતા શંકા સાથે અનેક સવાલ ઉઠયા છે.
વર્ષ-2009માં રૂ. 22 લાખના ખર્ચે બનેલી શાકમાર્કેટ શરૂ ન થતાં 12 વર્ષ શોભાના ગાંઠિયા સમાન પડી રહી હતી. ગઈકાલે મનપાની જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં ગુલાબનગર શાકમાર્કેટની જગ્યા વેંચાણનો સોદો થઈ ગયો છે. પરંતુ હજુ સ્ટેન્ડિંગ કમીટીની મંજૂરી લેવાની બાકી છે. વગર મંજૂરીએ મનપાએ જગ્યા વેંચી મારતા વિરોધ પક્ષે પણ આ અંગે વિરોધ નોંધાવ્યો છે. ગુલાબનગર વિસ્તારમાં શાકભાજીના ધંધાર્થીઓ માર્ગ પર ઉભા રહેતા હોય ટ્રાફીક સહિતની સમસ્યા નિવારવા મહાપાલિકાએ વર્ષ-2009માં રૂ.22 લાખના ખર્ચે 48 ગાલાની શાકમાર્કેટ બનાવી હતી.
સ્ટેન્ડીંગ કમિટીએ સામાન્ય સભામાં મંજૂરીની અપેક્ષા સાથે વેંચાણને લીલીઝંડી આપી દેતા શંકા સાથે અનેક સવાલ ઉઠ્યાં
વર્ષ-2009માં રૂ.22 લાખના ખર્ચે બનેલી શાકમાર્કેટ શરૂ જ થઈ ન હતી અને 12 વર્ષ શોભાના ગાંઠિયા સમાન પડી રહી
આ માટે ત્રણ થી ચાર વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતાં. પરંતુ કોઇ ભાવ આવ્યા ન હતાં. નવાઇની વાત એ છે કે, વર્ષ-2009 થી 2020 એટલે કે 12 વર્ષ સુધી શાકમાર્કેટ એક વખત પણ ચાલુ ન થતાં શોભાના ગાંઠિયા સમાન પડી રહી હતી. આથી મનપાની સ્ટેન્ડીંગ કમીટીએ જનરલ બોર્ડમાં મંજૂરીની અપેક્ષા સાથે આ શાકમાર્કેટની જગ્યા ખાનગી પાર્ટીને વેંચવાનો નિર્ણય કર્યો હતો. આથી મનપા દ્વારા નિયમ અને ડીપીએલસીની જોગવાઇ મુજબ જંત્રીના વધુ ભાવ અનુસાર જગ્યાની હરાજી કરવામાં આવતા બે પાર્ટીના ભાવ આવ્યા હતાં. જેમાં સૌથી વધુ રૂ.1.46 કરોડ ભાવ બોલનાર ખાનગી પાર્ટીને આ જમીન મળી હતી. જેનો દસ્તાવેજ આજે થશે. પરંતુ મનપાના જનરલ બોર્ડની હજુ મંજૂરી મળી ન હોય જમીન વેંચાણની પ્રક્રિયાથી અનેક સવાલ અને શંકા ઉઠયા છે.
રૂપિયા 22 લાખનો ખર્ચ પાણીમાં, જવાબદાર કોણ?
મનપાએ વર્ષ-2009માં ગુલાબનગર શાકમાર્કેટ રૂ.22 લાખના ખર્ચે બનાવી હતી. પરંતુ ત્યારબાદ એટલે કે સતત 12 વર્ષ સુધી શાક માર્કેટ બંધ રહી હતી. આ સ્થિતિમાં શાકમાર્કેટની જગ્યા મનપાએ વેંચી નાંખતા શાકમાર્કેટ બનાવવા માટે કરવામાં આવેલો રૂ.22 લાખનો ખર્ચ પાણીમાં ગયો છે તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ ઉઠયો છે. ખરેખર તો આવા અણઘડત પ્લાન બનાવ્યા પહેલા વિચાર કરવો જોઈએ.
હજુ જનરલ બોર્ડની મંજૂરી બાકી છે: સ્ટેન્ડિંગ ચેરમેન
જામ્યુકોએ વર્ષ 2009માં બનાવેલી શાક માર્કેટ ઉપયોગમાં ન હોવાથી ગત ટર્મના સ્ટેન્ટીંગ કમિટી દ્વારા તેને વેચાણ કરવાની મંજૂરી એકથી દોઢ વર્ષ પહેલે આપી દેવામાં આવી છે, પરંતુ હજુ જનરલ બોર્ડની મંજૂરી બાકી છે જે મંજૂરી મળ્યા બાદ જ માર્કેટ વેચી શકાય તેમ હોય છે.
1 ચોરસ ફુટના મનપાને રૂ.3049 ઉપજયા
શહેરમાં ગુલાબનગર શાકમાર્કેટની કુલ જગ્યા 445 ચોરસ મીટર એટલે કે 4788 ચોરસ ફુટ છે. જેનું વેંચાણ રૂ.1.46 કરોડમાં કરવામાં આવ્યું છે. આથી મહાનગરપાલિકાને એક ચોરસ ફુટ જગ્યાના રૂ.3049 ઉપજયા છે.