ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ, રરમી જુલાઇ સુધીમાં નામાંકન દાખલ કરી શકાશે
રાજયની અલગ અલગ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકો માટે આગામી 6 ઓગષ્ટના રોજ ચુંટણી યોજાવાની છે. દરમિયાન આગામી સોમવારે ચુંટણીનું જાહેરનામું પ્રસિઘ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે.
રાજય ચુંટણી પંચ દ્વારા ગત 10મી જુલાઇના રોજ રાજયની અલગ અલગ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં ખાલી પડેલી બેઠકો માટે ચુંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી. આગામી 17મ જુલાઇના રોજ ચુંટણીનું જાહેરનામું પ્રસિઘ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે. ચુંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો રરમી જુલાઇ સુધીમાં નામાંકન પત્ર દાખલ કરી શકાશે. ર4મી જુલાઇના રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને રપમી જુલાઇ સુધીમાં ઉમેદવારી ફોર્મ પર ખેંચવાનો અંતિમ દિવસ છે આ દિવસે ચુંટણી ચિત્ર સ્પષ્ટ થશે.6 ઓગષ્ટના રોજ સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે
દરમિયાન 8મી ઓગસ્ટના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 1પની બે બેઠકો માટે જયારે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં. ર0 ની એક બેઠક માટે પેટા ચુંટણી યોજાશે. જયારે ભાવનગર, ભરુચ, નર્મદા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, પોરબંદર, પાટણ, મહેસાણા, ખેડા, કચ્છ, ગીર સોમનાથ અને પંચમહાલ જિલ્લાની 18 નગરપાલિકાની ર9 બેઠકો માટે ચુંટણી યોજાશે.
સોમવારથી પેટા ચુંટણીનો ધમધમાટ શરુ થઇ જશે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરાતાની સાથે જ ચુઁટણીનો માહોલ જામશે.