જુનાગઢના લોકોના આરોગ્યને ધ્યાને લઇ તમામને તેમના રહેઠાણ તથા ધંધાકીય વિસ્તારથી નજદીક આરોગ્યલક્ષી સુવિધા ત્વરિત મળી રહે તે માટે જૂનાગઢ મહાનગર પાલિકા હસ્તક 8 કોરોના ટેસ્ટિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. જુનાગઢ મહાનગરપાલિકાના જન સંપર્ક અધિકારી ની એક યાદી મુજબ શહેરના વિવિધ વિસ્તારમાં તા. 9-4-2021 થી જૂની વોર્ડ નં. 15ની ઓફીસ, તાલુકા સેવા સદનની પાસે, સરદાર બાગ રોડ, જુનાગઢ, સી.એચ.સી બિલ્ડીંગ, ટીંબાવાડી ઝોનલ કચેરી પાસે, જુનાગઢ, ડો. બાબા સાહેબ આંબેડકર ભવન, શ્રીનગર સોસાયટી, મધુરમ ટીંબાવાડી રોડ, શિવમ પાર્ટી પ્લોટ, બંસીધર સોસાયટી, ગિરિરાજ પાછળ, જુનાગઢ, પટેલ સમાજ વાડી (કયાડા વાડી), જોષીપુરા, સાઈબાબા મંદિર, ઝાંઝરડા રોડ, જુનાગઢ, કાર્મેલ કોન્વેન્ટ સ્કુલ, ગાંધીગ્રામ, જુનાગઢ, રેડક્રોસ હોલ (પોતાલા માર્કેટ) આઝાદ ચોક, જુનાગઢ ખાતે કોરોના ટેસ્ટિંગ સેન્ટર હંગામી ધોરણે કાર્યરત કરવામાં આવ્યા છે. તથા આ સ્થળ પર સવારે 9 થી બપોરના 2 તથા બપોરે 3 થી સાંજના 6 વાગ્યા સુધી કોરોના ટેસ્ટિંગ મહાનગરપાલિકા જૂનાગઢની મેડિકલ ટીમ દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
સાથોસાથ જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેરી જનોને અપીલ કરવામાં આવી છે કે, આપને કે આપના પરિવારના સભ્યોને શરદી, તાવ, ઉધરસ, કફ, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તે પ્રકારનાં લક્ષણો જણાય તો તાત્કાલિક ઉપરોક્ત દર્શાવેલ સરનામા પર કોરોના ટેસ્ટિંગ બુથ પર સંપર્ક કરવાથી દર્દીને તાત્કાલિક ટેસ્ટિંગ કરી ત્વરિત સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે.આ ઉપરાંત દોલતપરા અર્બન હેલ્થ સેન્ટર, દોલતપરા, શાંતેશ્વર અર્બન હેલ્થ સેન્ટર, શાંતેશ્વર રોડ, જુનાગઢ, ગણેશ નગર અર્બન હેલ્થ સેન્ટર, ટીંબાવાડી અર્બન હેલ્થ સેન્ટર, ગાંધીગ્રામ અર્બન હેલ્થ સેન્ટર, આંબેડકર નગર અર્બન હેલ્થ સેન્ટર, બિલખા રોડ ખાતે કાયમી ધોરણે કાર્યરત કરવામાં આવ્યા છે.
કોરોના સંક્રમણને ધ્યાને લઈ જુનાગઢની રવિવારી બજાર બંધ
જુનાગઢ મનપા કમિશનર તુષાર સુમેરા દ્વારા જણાવાયા મુજબ જુનાગઢ હાજાણી બાગ ખાતે રવિવારે ભરાતી બજાર બંધ રાખવામાં આવશે. તેમજ શહેરના અન્ય સ્થળે હરતી-ફરતી લારીવાળા, પાથરણાં વાળાઓને તેમજ અન્ય ધંધાર્થીઓને પણ સુચના આપવામાં આવેલ છે કે કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા બહાર પાડેલ કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. અને આ અંગે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે જેમાં બેદરકારી માલુમ પડશે તો કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.સાથોસાથ મનપા કમિશનર સુમેરા દ્વારા શહેરીજનોને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી બિનજરૂરી ઘરની બહાર ન નીકળી કોરોના સંક્રમણ રોકવા સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.