કોરોના સામેના સંરક્ષણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરને ડિસઇન્ફેક્શન કરવાની કામગીરી હાલ ચાલુ જ છે. તેની સાથે સાથે મનપા દ્વારા જે સ્થળોએ લોકોની અવર જવર થતી હોય તેવા સ્થળોને હેન્ડ પંપ દ્વારા સોડિયમ હાઇપ્રોક્લોરાઇટથી ડીસઇન્સફેકશન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, તેમ મેયર બિનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ તથા આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠાકરની સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વાયરસ ન ફેલાય તે માટે ૧૦૦ જેટલા હેન્ડ પંપ ખરીદ કરવામાં આવેલ છે. તમામ વોર્ડ ઓફિસો દ્વારા આ હેન્ડ પંપથી ડીસઇન્સફેકશન કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
લોકોની જયાં અવર-જવર હોય તેવી જગ્યાઓ જેવી કે, કરિયાણાની દુકાનો, વોર્ડ ઓફિસ, ટીપરવાહન, એ.ટી. એમ., બેંક, પે એન્ડ યુઝ ટોઇલેટ વગેરે જગ્યાએ આ હેન્ડ પંપ દ્વારા સોડિયમ હાઇપ્લોકલોરાઇદથી ડીસઇન્સફેકશન કરવાની કામગીરી કરવામાં આવેલ છે.